કેન્દ્ર સરકાર કાયદામાં ફેરફાર અને MSP ની લેખિત બાંહેધરી આપશે - ખેડૂતો કાયદો રદ્દ કરવા અડગ

કેન્દ્ર સરકાર કાયદામાં ફેરફાર અને MSP ની લેખિત બાંહેધરી આપશે - ખેડૂતો કાયદો રદ્દ કરવા અડગ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂત આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે આજે સરકાર સાથે છઠ્ઠા તબક્કાની વાત થવાની હતી પરંતુ સરકારે ગઈકાલે અચાનક સાંજે 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ તરફથી મુલાકાતનું નિમંત્રણ મોકલી રાતે બેઠક ગોઠવી હતી જેમાં 2 કલાક સુધી વાતચીત થઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું ન હતું અને સરકારે કાયદો પરત લેવાની સ્પષ્ટ ના પાડી લેખિતમાં પ્રસ્તાવ આપવાની બાંહેધરી આપી હતી. સરકાર આજે ખેડૂટોન કૃષિ કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ અને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટી લેખિતમાં આપશે પણ ખેડૂત કાયદો રદ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે આજની સરકાર સાથેની ખેડૂતોની બેઠક રદ્દ કરાઈ છે. આજે સરકારના લેખિત પ્રસ્તાવને લઇ બપોરે 12 વાગ્યે સિંધુ બોર્ડર ઉપર ખેડૂતો મીટિંગ કરીને આગળની રણનીતિ નક્કી કરશે કે શું કરવાનું છે.
સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ આજે કેબિનેટની બેઠક થશે જેમાં ખેડૂતો માટે સરકારના પ્રસ્તાવ અંગે ચર્ચા થશે ત્યારબાદ સરકાર ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ સોંપી દેશે. જો કે ખેડૂતો સાથે આજે યોજાનારી મીટિંગ સરકારે રદ્દ કરી દીધી છે.
ગઈકાલે સરકારે બોલાવેલી બેઠક માટે 5 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા ત્યારપછી 13 ખેડૂતો સાથે અમિત શાહ મળ્યા હતા. આંદોલન કરી રહેલા કેટલાક ખેડૂતોએ વિરોધ કરતા કહ્યું હતું કે એક દિવસ પહેલાં બેઠક શા માટે અને 40 ની જગ્યાએ 13 સભ્યો જ કેમ બોલાવ્યા ?
ખેડૂતો સાથેની બેઠક પહેલાં અમિત શાહના ઘરે હતી અને છેલ્લી ઘડીએ સમય - સ્થળ બદલીને ICAR ગેસ્ટ હાઉસમાં નક્કી કરતા 2 ખેડૂતો બેઠકમાં જોડાઈ ન શકતા બાકીના ખેડૂતોએ તેમના વગર ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો હતો ત્યાર પછી પોલીસ 2 ખેડૂતને એસ્કોર્ટ કરીને રાતે લઈ આવી હતી. મીટિંગમાં અમિત શાહે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા હતા જે ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે કયા ફેરફારની આગળ જઈને શું અસર થશે તેમ છતાં ખેડૂત નેતાઓએ તેમનો નોંધાવતા આખરે સૂચનના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થયો હતો.
ખેડૂત આંદોલનના સમર્થનમાં 20 રાજકીય પક્ષ આગળ આવ્યા છે ત્યારે વિપક્ષના 5 નેતા આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી ખેડૂતોની માંગ ને લઇ રજૂઆત કરશે. જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર પણ સામેલ થશે.