કોરોના કાળમાં આર્થિક સંકડામણે સુરતમાં માતા - પુત્રનો ભોગ લીધો

કોરોના કાળમાં આર્થિક સંકડામણે સુરતમાં માતા - પુત્રનો ભોગ લીધો

દેશભરમાં કોરોના કાળમાં લોકોએ આર્થિક મંદીનો પણ સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા મિલેનો હાઈટસમાં માતા અને પુત્રએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બે દિવસથી મિત્રને આપઘાતની વાતો કરનાર મહર્ષએ સવારે ફોન ન ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચયા ત્યારે લટકતી હાલતમાં માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યાં હતાં. પુત્ર મહર્ષ પરેશભાઈ પારેખ (ઉ.વ.37) અને તેમની માતા ભારતીબેન પારેખ (ઉ.વ.56) નાએ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે માતા અને પુત્ર બન્નેની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતાં. મહર્ષ પારેખ ભારત પે નામની એપ્લિકેશન ઉપર લે વેચના વેપાર સાથે સંકળાયેલો હતો. મહર્ષ તેના 5 વર્ષના પુત્ર અને પત્નીને 15 દિવસ અગાઉ પિયર મૂકી આવ્યો હતો. મહર્ષના પિતાનું 5 વર્ષ પહેલાં મોત થયું હતું.
મહર્ષ અને તેના સંબંધીઓ ઉપર ત્રણ - ચાર દિવસ પહેલા પૈસા ને લઈને કંપનીના મેસેજ ગયા હતા. પૈસાનું દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યો હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. મહર્ષે તેના મિત્રને આપઘાતની વાત કરી ત્યારે તેના મિત્રએ બે કલાક સમજાવ્યો હતો. હું મરી જઈશ પછી માતાનું શુ થશે એવો વિચાર આવતા પુત્રએ માતા સાથે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન વ્યક્ત કરાય છે.
મહર્ષ અને તેની માતાના આત્મ હત્યાને પગલે ઉંમરા પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની તપાસ કરતા અધિકારી PSI પરાગ ડાવરાએ જણાવ્યું હતું કે મરનારનું બાલાજી રોડ ઉપર મકાન હોવા છતાં પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. પૈસાનું દેવું વધી જતાં બેંકવાળા ફોન કરી ઉઘરાણી કરતા હતાં. હાલ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
કોરોનાકાળ બાદ શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે કારણ કે કોરોનાકાળ દરમિયાન ધંધા રોજગાર બંધ હોવાના કારણે ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે જેને લઇને તેઓ આપઘાત તરફ વળી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે.