કોરાના સામેની લડાઈમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ભારતમાં શરુ કરાયું

કોરાના સામેની લડાઈમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ભારતમાં શરુ કરાયું

શનિવારે દેશમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરાવી હતી જેમાં પ્રથમ દિવસે 1.91 લાખથી વધુ આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ - સફાઇ કામદારોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પહેલા દિવસે જ 3.15 લાખ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક હતું પરંતુ માત્ર 1.91 લાખ વોરિયર્સને રસી આપવામાં આવી હતી. અંદાજે 61 ટકા લોકોને પ્રથમ દિવસે રસી અપાઈ છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીથી મહામારીને હરાવવા પ્રથમ પગલું ભરતા દેશભરમાં આરોગ્ય કેન્દ્રોમાં રસી અપાઇ હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં રસીકરણના પહેલા દિવસે સાંજના 5:30 વાગ્યા સુધીમાં 3,351 કેન્દ્રો ઉપર 1,65,714 આરોગ્ય કર્મચારીઓ અને સફાઇ કામદારોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે દેશભરના 1,91,181 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.


વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ -19 રસીકરણની શરૂઆત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રસીના બે ડોઝ લેવાનું મહત્વપૂર્ણ છે. એક ડોઝ લીધા બાદ બીજો ડોઝ નહિ લેવાની ભૂલ કરશો નહીં, બીજો ડોઝ લેવો જરૂરી છે. નિષ્ણાતોને સાંભળો અને તેને અનુસરો બે ડોઝ વચ્ચે અંતર રાખવું જરૂરી છે. કોવિડ -19 રસી ડોઝના બે અઠવાડિયા પછી વ્યક્તિ કોરોના વાયરસ સામે પ્રતિરક્ષા ઉભી કરશે.