ખેડૂત આંદોલનની 9 મી બેઠક - અમે કોઈપણ કોર્ટમાં નહી જઈએ - કાયદો પરત લો નહીંતર અમારી લડાઈ ચાલતી જ રહેશે.

ખેડૂત આંદોલનની 9 મી બેઠક - અમે કોઈપણ કોર્ટમાં નહી જઈએ - કાયદો પરત લો નહીંતર અમારી લડાઈ ચાલતી જ રહેશે.

નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇ આજે ખેડૂત અને સરકાર વચ્ચે 9 મી બેઠક થઈ હતી. ગત બેઠકની જેમાં આજે પણ ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નથી. અંતે આ બેઠકને લઈને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપતા કહ્યું હતું કે આગામી બેઠકમાં ઉકેલ આવવાની આશા છે. હવે સરકાર અને ખેડૂતો વચ્ચે તા.15 જાન્યુઆરીએ ફરી વાતચીત થશે.
આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત બેઠકમાં 40 ખેડૂત સંગઠનો સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પીયુષ ગોયલ અને સોમ પ્રકાશ હાજર રહ્યા હતા. ખેડૂતોએ કૃષિ કાયદા રદ કરવાની માગ ફરી કરી હતી પરંતુ કૃષિ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં તેનો ઈનકાર કરી દિધો હતો. બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કાયદા ઉપર ચર્ચાનો પ્રયાસ કરાયો છે પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો નથી અમે ખેડૂતોને કહ્યું છે કે તેઓ કાયદાને પરત ખેંચવા સિવાયનો કોઈ અન્ય વિકલ્પ અમને આપે તો અમે વિચાર કરવા માટે તૈયાર છીએ પરંતુ અમને કોઈ વિકલ્પ ન આપવામાં આવ્યો નથી.
આ પહેલા સરકાર અને ખેડૂતો વચ્ચે 7 વખત વાતચીત થઈ છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. જોકે તા.30 ડિસેમ્બરે થયેલી વાતચીતમાં પરાલી સળગાવવા અને વીજળી સબસિડીને લઈને 2 મુદ્દાઓ ઉપર બંને પક્ષો વચ્ચે સહમતી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આજની બેઠકમાં વધુ વાતચીત થઈ ન હતી પરંતુ આગામી તા.11 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીને ધ્યાનમાં રાખીને આગામી તારીખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અન્ય મુદ્દા સિવાય 3 કાયદાઓની વૈધતા ઉપર પણ વિચાર કરી શકે છે. આ બેઠક દરમિયાન એક ખેડૂતના હાથમા ચિઠ્ઠી હતી. જેના પર લખ્યું હતું કે હમ યા તો મરેંગે યા જીતેંગે.
ઓલ ઈન્ડિયા ખેડૂત સભાએ કહ્યું કે અમે જણાવી દિધું કે કાયદો પરત ખેંચવા સિવાય બીજું કંઈ જ મંજૂર નથી. અમે કોઈપણ કોર્ટમાં નહી જઈએ. કાયદો પરત લો, નહીંતર અમારી લડાઈ ચાલતી જ રહેશે. તા.26 જાન્યુઆરીએ અમારી પરેડ થશે.
ખેડૂત નેતા બલવીર રાજેવાલે મંત્રીઓને કહ્યું કે તમે જિદ પર છો. તમે તમારા સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરીને લગાવી દેશો. અધિકારીઓ કોઈને કોઈ લોજિક આપતા રહેશો. અમારી પાસે પણ લિસ્ટ છે. બાદમાં નિર્ણય તમારો જ છે. કેમકે તમે સરકાર છો. જેમની પાસે તાકાત છે તેની વાત વધુ હોય છે. આટલાં દિવસોમાં વારંવાર કેટકેટલી ચર્ચા થઈ રહિ છે. એવું લાગે છે કે આ વાતના ઉકેલ લાવવાનું તમારું મન જ નથી. તો સમય શું કામ બગાડી રહ્યાં છો. તમે સ્પષ્ટ શબ્દોમાં લખીને આપી દો, તો અમે જતા રહિશું.
ખેડૂત આંદોલનમાં સામેલ ડેરા નાનકસરના મુખી બાબા લક્ખા સિંહે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ બાબા લક્ખા સિંહને જણાવ્યું છે કે સરકાર એક પ્રસ્તાવ તૈયાર કરી રહી છે જેમાં રાજ્ય સરકારોને કૃષિ કાયદા લાગુ કરવા કે ન કરવાની છૂટ આપવામાં આવશે.
બાબા લક્ખા સિંહે જણાવ્યું હતું કે લગભગ પોણા બે કલાક ચાલેલી ચર્ચામાં મેં કૃષિ મંત્રીને સવાલ પૂછ્યો કે તમારી વાત કોઈ નિષ્કર્ષ પર નથી આવતી તો શું તે રાજ્યોને કાયદાથી બહાર રાખી શકાય છે. આ અંગે તોમરે સહમતિ વ્યક્ત કરી હતી. જે રાજ્ય કાયદો લાગુ કરવા ઈચ્છે તે કરે અને જે નથી ઈચ્છતા તે ન કરે. હજુ તે સ્પષ્ટ નથી થયું કે આજે ખેડૂતોની સાથે થયેલી બેઠકમાં સરકારે આ પ્રસ્તાવ પર ચર્ચા કરી છે કે નહીં.
ડબલ્યુટીઓ સેક્રેટેરિયટ દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની સેવન્થ ટ્રેડ પોલિસી રિવ્યુ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં થયેલા આર્થિક વિકાસના પરિણામે સામાજિક આર્થિક વિકાસના માપદંડો જેવા કે માથાદીઠ આવક અને સરેરાશ વય મર્યાદામાં સુધારો થયો છે. ડબ્લ્યુટીઓ જે છેલ્લા ઘણા સમયથી ભારતને કૃષિ ક્ષેત્રે તેની સબસિડીઓને બંધ કરવા માટે કહી રહ્યું હતું તેણે મોદી સરકારે પસાર કરેલા 3 નવા કૃષિ કાયદાની પણ પ્રશંસા કરી હતી, આ તે જ કાયદા છે જેના લીધે સરકાર અને ખેડૂતો વચ્ચે મતભેદ ઉભો થયો છે અને ખેડૂતો છેલ્લા 44 દિવસથી દિલ્હીની અંદર આંદોલન કરી રહ્યા છે.