ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ - સરકાર એન્ટિજન ટેસ્ટ અને આરટી પીસીઆર ટેસ્ટના આંકડા જાહેર કરે

ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ - સરકાર એન્ટિજન ટેસ્ટ અને આરટી પીસીઆર ટેસ્ટના આંકડા જાહેર કરે

ગુજરાત હાઈકોર્ટમાં કોરોના કેસોના સંદર્ભે અરજી કરવામાં આવી છે કે કોરોનાના ટેસ્ટિંગ માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની નિશ્ચિતા આરટી-પીસીઆર ટેસ્ટની સરખામણી ઓછી હોવાથી સિમટોમેટિક દર્દી કે જેનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તેમના માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની આઇસીએમઆરની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી અરજીમાં માંગ કરાઈ છે. જેને લઇ હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી તા.27મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે।
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રેપીડ એન્ટીજન ટેસ્ટની ઓછી એક્યુરસીને લીધે મહામારીમાં પડકારરૂપ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. દિલ્હી હાઇકોર્ટે સરકારને આરટી-પીસીઆર ટેસ્ટને વધુ મહત્વ આપવાની ભલામણ કરી હતી ત્યારે હાલ ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં લખાયું છે કે, વિશ્વસ્તર પર કોરોનાની ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર ટેસ્ટને વધુ એક્યુરેટ માનવામાં આવે છે. આઇસીએમઆરના પરિપત્ર પ્રમાણે કોરોના સિમટોમેટિક દર્દી કે જેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. રાજ્ય સરકાર માત્ર કુલ ટેસ્ટના આંકડા જાહેર કરે છે અને દરરોજ રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા આરટી-પીસીઆર ટેસ્ટ કેટલા કરવામાં આવે છે તેની કોઈ માહિતી આપવામાં આવતી નથી જેથી હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે કે સરકાર ટેસ્ટની કેટેગરી પ્રમાણેની માહિતી રજૂ કરે.
હાઇકોર્ટમાં અરજી કરનાર અરજદારે આક્ષેપ કર્યો છે કે જે સિમટોમેટિક દર્દી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે જેનો રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે અને તેનું આરટી-પીસીઆર ટેસ્ટ ન કરવામાં આવે તો તે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી શકે છે. જ્યાં રોજ 5 થી 7 હજાર કોરોના ટેસ્ટિંગ થતા હતા ત્યાં રેપીડ એન્ટીજન ટેસ્ટની એન્ટ્રી બાદ ટેસ્ટિંગમાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને એક દિવસમાં 75 હજાર જેટલા ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે જેમાં મોટાભાગના ટેસ્ટિંગ અમદાવાદમાં જ થયા હોવાનો આક્ષેપ કરાયો છે.