ગુજરાતમાં 21 દિવસનું શૈક્ષણિક વેકેશન - પ્રથમવાર લાભ પાંચમથી શાળા વેકેશન ખુલશે।

ગુજરાતમાં 21 દિવસનું શૈક્ષણિક વેકેશન - પ્રથમવાર લાભ પાંચમથી શાળા વેકેશન ખુલશે।

કોરોનાના મહામારીને કારણે ગુજરાત સરકારે 1 મહિના અગાઉથી જ શાળાઓ દિવાળી સુધી નહી ખોલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કોરોના કેસો અને પરિસ્થતિની સમીક્ષા કરવામાં આવશે અને પછી જ શાળાઓ ખોલવાને લઇ સરકાર નિર્ણય કરશે. હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. ગુજરાત બોર્ડની સાથે સીબીએસઇની સ્કૂલોમાં પણ દિવાળી વેકેશનના દિવસોમાં કોઇ ફેરફાર કરાયો નથી. સીબીએસઇ સંલગ્ન સ્કૂલોમાં દિવાળીનું વેકેશન 7 થી 21 નવેમ્બર દરમિયાન 15 દિવસનું રહેશે. વેકેશનમાં બોર્ડે કોઇ ફેરફાર કર્યો નથી.
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા દિવાળી વેકેશનના પરિપત્રમાં સ્કૂલોનું વેકેશન પહેલીવાર લાભ પાંચમથી ખૂલશે. દિવાળી દિવસ બાદ માત્ર 4 દિવસનું વેકેશન બાકી રહેશે. શિક્ષણ જગતના તજજ્ઞોના મતે સરકાર દ્રારા દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાની તૈયારી ભાગરૂપે વેકેશનના દિવસો નક્કી કર્યા છે. જેથી નવું સત્ર જલ્દી શરૂ કરી શકાય.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિ વર્ષ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શક્યું નથી. આ નિર્ણયનો અમલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ કરવાનો રહેશે. સ્કૂલમાં લેવાનારી સત્રાંત પરીક્ષા અંગે હવે પછી અલગથી સૂચના આપવામાં આવશે. ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી. હાલ ગુજરાત રાજ્યમાં તા.16 માર્ચથી શાળાઓ બંધ છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી એટલે કે તા.15 માર્ચના રોજથી ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તા.16 થી 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. બાદમાં કોરોના બેકાબૂ બનતો ગયો અને શાળાઓના વેકેશન લંબાતા ગયા આમ અંદાજે 7 મહિનાથી સ્કૂલો બંધ છે. જેને હવે ખોલવાં માટે સરકાર વિચારી રહી છે જેથી દિવાળી વેકેશન જલ્દી પૂરું થાય તે રીતે દિવાળી પહેલા વધુ દિવસોથી દિવાળી વેકેશન જાહેર કરાયું છે.