ગુજરાતમાં પીએમ મોદીના તા.18 જાન્યુઆરીના ઈ-લોકાર્પણ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થવાની શક્યતા

ગુજરાતમાં પીએમ મોદીના તા.18 જાન્યુઆરીના ઈ-લોકાર્પણ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થવાની શક્યતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે ત્યારે ગુજરાત સરકાર વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ફટાફટ કરી રહ્યું હોઈ તેમ હાલમાંજ રાજકોટમાં એઇમ્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી ખાસ રેલવે લાઇન ઉપરાંત કેવડિયા રેલવે સ્ટેશનનો શુભારંભ આગામી તા.16 જાન્યુઆરીએ દિલ્હીથી ઓનલાઇન કરાશે. કેવડિયા- બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઇ-શુભારંભ ઉપરાંત નરેન્દ્ર મોદી તા.18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ - 2નું ઇ-ખાતમૂહુર્ત કરશે જે અમદાવાદ - ગાંધીનગર - ગીફ્ટ સિટીને જોડશે. ઉપરાંત સુરત મેટ્રોના કામનું પણ ઇ-ખાતમૂહુર્ત તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ઈલેક્શન કમિશન તા.18 જાન્યુઆરી બપોર બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિકાસ કામોં દ્રારા ચૂંટણી જીતવાનો વ્યૂહ હોઈ તેમ ફટાફટ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યાં છે.
બરોડા અને કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો 691 કરોડના ખર્ચે બનનારો 80 કિ.મીનો રેલ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ - ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી ફેજ-2 નું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત કામકાજ ખૂબ જ ગતિશીલ બની ગયું છે જેમાં પહેલા તબક્કાના પ્રોજેક્ટ પાછળ અંદાજે 10,773 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે હવે આગામી તા.18મી જાન્યુઆરીના દિવસે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેજ-2 નું ખાતમુહૂર્ત કરશે તો બીજી તરફ સુરત શહેરમાં પણ મેટ્રો રેલ દોડતી કરવા આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા 12,000 કરોડથી વધુના ખર્ચની મંજુરી આપી દેવામાં આવી છે ત્યારે સુરત મેટ્રો રેલની કામગીરી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.18મી જાન્યુઆરીએ જ આ પ્રોજેક્ટનું ઇ-ખાતમુહૂર્ત કરશે.