ગુજરાતમાં મેયર પદ માટે રોટેશન અને રિઝર્વેશન અંગે જાહેરનામું ચર્ચાનો વિષય બન્યો

ગુજરાતમાં મેયર પદ માટે રોટેશન અને રિઝર્વેશન અંગે જાહેરનામું ચર્ચાનો વિષય બન્યો

ગુજરાતમાં તા.21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જય રહી છે ત્યારે તા.23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી છે. ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ઉમેદવારો જાહેર કરી દીધા છે અને ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે શાસક પક્ષ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનર મહાનગરપાલિકાના મેયરોનું રોટેશન અને રિઝર્વેશનને લઇ જાહેરનામું આજે બહાર પડી ગયું છે. આ જાહેરનામા મુજબ અમદાવાદ મનપા માટે પહેલા અઢી વર્ષ માટે અનામત એસસી કાસ્ટના મેયર અને રોટેશનમાં પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત મેયર રહેશે છે.
તેવી જ રીતે સુરત માટે પહેલા અઢી વર્ષ મહિલા અનામત અને પછીના અઢી વર્ષ સામાન્ય બેઠક માટે મેયર પદ આપવામાં આવશે. ભાવનગર, સુરત અને જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત છે. અમદાવાદમાં પહેલી ટર્મ માટે અને જામનગરમાં બીજી ટર્મમાં એસસી માટે અનામત છે. સુરતમાં પહેલા અઢી વર્ષ દરમિયાન મહિલા અનામતને લઇ મહિલા મેયર બનશે તો બીજી ટર્મમાં જનરલ કેટેગરીના કોર્પોરેટર મેયર બનશે.
રાજકોટમાં પહેલા અઢી વર્ષ ઓબીસી ક્લાસ માટે અનામત છે અને બીજા અઢી વર્ષ મહિલા મેયર માટે અનામત છે. જ્યારે ભાવનગરમાં પહેલા અઢી વર્ષ મહિલા અને પછીના અઢી વર્ષ ઓબીસી ક્લાસના કોર્પોરેટર મેયર બનશે. વડોદરામાં ભાજપ પાસે આદિજાતિનો ચહેરો ન હોવાથી રોટેશન ફેરબદલ માટે કવાયત ચાલતી હતી જેને લઇ હવે વડોદરા કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ જનરલ અને બીજા અઢી વર્ષ માટે મહિલા કાઉન્સિલરમાંથી મેયર પદ આપવામાં આવશે.
આજે સરકાર દ્વારા રાજ્યની 6 મહાનગરપાલિકાના મેયર પદ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.