ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી - ટિકિટ કપાતા ભાજપની મીઠી ખારેક કાંડ બાદ નવો વિવાદ બહાર આવતા ચકચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી - ટિકિટ કપાતા ભાજપની મીઠી ખારેક કાંડ બાદ નવો વિવાદ બહાર આવતા ચકચાર

ભાજપમાં ટિકિટો ન મળવાને કારણે નિરાશ થયેલાં લોકોએ હવે નેતાઓ ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે. સાબરકાંઠામાં પંચાયતના ટિકિટ વાંચ્છુ કિશોરસિંહ ઝાલાએ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર ચારિત્ર વિષયક આક્ષેપ કર્યા છે. ભાજપના નેતા કિશોરસિંહ ઝાલાએ બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર પોતાની ટિકિટ ધારાસભ્ય પરમાર અને અન્ય નેતાઓએ વ્યાવસાયિક હરીફાઈને કારણે કાપી હોવાની એક વીડિયો પોસ્ટ કરી હતી. કિશોરસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર મૂકેલી આ પોસ્ટમાં જણાવ્યું છે કે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે એક દલિત યુવતીને લાલચ આપીને અનેકવાર ભોગ બનાવી હતી. આ યુવતીને તેઓ નિયમિત ગાંધીનગરમાં આવેલાં સદસ્ય નિવાસના 50 નંબરના ક્વાર્ટર પર લઈ જઈ તેનું શારીરિક શોષણ કરતા હતા.
કિશોરસિંહ ઝાલાએ સાબરકાંઠાના જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ ઉપર પણ એક દલિત યુવતીને બેંકમાં નોકરી અપાવવાના બહાને શોષણ કર્યું હોવાના આક્ષેપ કર્યો છે. કિશોરસિંહ ઝાલાએ વીડિયોમાં જણાવ્યું છે કે પરમાર વિરુદ્ધ પીડિતાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા રાજ્યના પોલીસ વડાને અરજી પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત ધારાસભ્ય પોતે વગ ધરાવતા હોવાથી મુખ્યમંત્રી કે ગૃહ રાજ્યમંત્રી પણ તેમનું કાંઈ નહીં કરે તેવું જણાવેલ છે તેમજ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ઘટતું કરવા પણ જણાવ્યું છે. કિશોરસિંહ ઝાલાએ સ્વીકાર્યું છે કે અગાઉ તેઓ અને સાબરકાંઠા જિલ્લાના અન્ય નેતાઓ ધારાસભ્ય વતી એક યુવતી સાથે સમાધાન કરવામાં મધ્યસ્થી કરી ચૂક્યા છે  તે વખતે વિગતો જાહેર નહિ કરીને આજે પોતાની ટિકિટ કપાતાં કિશોરસિંહ ઝાલાએ પોતાનો ઉભરો સોશિયલ મીડિયા પર ઠાલવ્યો છે.