ચલથાણ : કાળા દિબાંગ વાદળો ઘેરાતા અચાનક વાતાવરણમાં પલટો

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જૂન મધ્યે થી વરસાદ શરૂ થતો હોય છે પરંતુ જિલ્લામાં પાછલા ઘણા દિવસોથી થઈ રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે આજરોજ સવારથી જ કાળા દિબાંગ વાદળો ઘેરાતા અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને ધીમી ઢાળે વરસાદ વરસતા થોડા સમય માટે ઠંડક પ્રસરી જવા પામી હતી જોકે બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ ફરીથી ગરમી અનુભવી હતી.
દેશનાં દક્ષિણી રાજ્ય કેરળ માં ચોમાસાનું આગમન થઈ ચૂક્યુ છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે દક્ષિણ ભારત તરફથી નૈઋત્ય ના પવનો જૂન મધ્ય અથવા અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતા હોય છે જે બાદ જ વિધિવત સમગ્ર રાજયમાં વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળે છે જોકે પાછલાં ઘણા દિવસો થી સુરત શહેર તેમજ જિલ્લામાં જે રીતે લોકોએ અસહ્ય ઉકળાટ તથા બફારો સહન કર્યો હતો તે જોતા લોકો વહેલી ટકે વરસાદ ની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું હતું જે અસહ્ય ગરમી બાદ આજરોજ અચાનક જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો.
પલસાણા તાલુકા પંથકમાં સવાર થી જ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાઇ જતા પવન ના ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી જવા પામી હતી ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને થોડા સમય માટે જ ખરુ પણ ગરમી થી રાહત મળી હતી ચલથાણ ગામ નજીક થી પસાર થતા અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર પણ વાહનો ની રફ્તાર ધીમી પડેલી જોવા મળી હતી પરંતુ કલાક બાદ ફરીથી આકાશમાં સૂર્ય દેવ સંતાકૂકડી રમતા લોકોએ અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.