દક્ષિણ ગુજરાતના 21 પોલીસ સ્ટેશનનો આરોપી લિસ્ટેડ બુટલેગર કૈલાશ મારવાડી ઝડપાયો

દક્ષિણ ગુજરાતના 21 પોલીસ સ્ટેશનનો આરોપી લિસ્ટેડ બુટલેગર કૈલાશ મારવાડી ઝડપાયો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફુરસદ ગામમાંથી પકડાયેલો 415 પેટી વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ લીસ્ટેડ બુટલેગરને કૈલાશ મારવાડીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
એલસીબીએ 7 મહિના પહેલા રૂપિયા 19,57,200 નો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે તે સમયે કૈલાશ મારવાડી પોલીસને હાથ તાળી આપી ભાગવામાં સફળ રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આજે ક્રાઈમ બ્રાન્ચે વરિયાવ પાસેથી બુટલેગર કૈલાશ મારવાડીને ઝડપી પાડ્યો છે. આરોપી કૈલાશ ઉર્ફે કૈલાશ મારવાડી ઉર્ફે ભેલાલ હીરાલાલ શર્મા દક્ષિણ ગુજરાતના 21 પોલીસ સ્ટેશનમાં ગુનાનો વોન્ટેડ આરોપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઓલપાડ પોલીસ સ્ટેશનના ગુનાનો વોન્ટેડ આરોપી અને લીસ્ટેડ બુટલેગર કૈલાશ ઉર્ફે કૈલાશ મારવાડી ઉર્ફે ભેલાલ હીરાલાલ શર્મા (ઉ.વ.36 રહે, સી/201, વાઇટ સોલીટર એપાર્ટમેન્ટ, વરીયાવ ગામ છાપરાભાઠા રોડ અમરોલી સુરત, મુળગામ પિતાકા ખેડા તા. રાયપુર જી. ભીલવાડા (રાજસ્થાન) વરીયાવ રોડ પાસેથી પસાર થઈ રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી કૈલાશને ઝડપી પાડયો હતો જે બાદ તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
વધુમાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપીએ આજથી આશરે 7 માસ અગાઉ ભાગીદાર મનિષ રામેશ્વર મારવાડી સાથે મળી ઈંગ્લીશ દારૂના હેરાફેરીનો ધંધો કરવા મોવાથી તેના ઓળખીતા માણસ દરશય મીણા નામના ઇસમ મારફતે એક ટ્રક (નંબર MH-18-BG-8744)માં આશરે 455 પેટી જેટલો ઇંગ્લીશ દારૂનો જથ્થો ફુડસદ ગામ નજીક કારેલી ગામની સીમમાં ખેતરોમાં ઉતાર્યો હતો. આ દારૂનો જથ્થો હૂંધક ગામમાં રહેતા છગન સોહનલાલ મારવાડી, મનીષ તેમજ અન્ય દારૂનો ધંધો કરતા ઇસમોને આપવા માટે મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે બોલેરો ગાડી તથા સ્વીફ્ટ કાર તથા ઝીયાગો કારમાં દારૂ ભરી હલદરૂ ગામમાં તથા આજુબાજુના ગામમાં સપ્લાય માટે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન કારેલ ગામના સીમમાં ખેતરો પાસે એલ.સી.બી પોલીસના માણસોએ રેડ કરતા મનીષ ભાગી ગયો હતો જે બાબતે ઓલપાડ પોસ્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.