પીએમ મોદી વેક્સિનેશનની શરૂઆત કરતા થયા ભાવુક - શું કહ્યું સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાઈરસના વેક્સિનેશનની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ સંબોધન દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરતા કહ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે જેના માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું. કોરોનાની વેક્સિન આવી ગઈ છે. આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ ખુબ જ મહેનત કરી છે. આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે. પીએમ મોદી દેશને સંબોધિત કરતી વખતે મોદી ભાવુક પણ થઈ ગયા અને કહ્યું કે આપણને બચાવવા માટે ઘણા લોકોએ પ્રાણ સંકટમાં નાખ્યા. ઘણા લોકો ઘરે પાછા નથી આવ્યા. હવે સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન લગાવીને એક પ્રકારે સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે.
પીએમ મોદીના હાથે વર્ચ્યુઅલ વેક્સિનેશનની શરૂઆત બાદ દેશના 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 3006 જગ્યાઓ પર એકસાથે કાર્યક્રમ શરુ કરાયો છે. જ્યાં પ્રથમ ફેઝમાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેશન આપવામાં આવશે. પહેલા દિવસે દરેક સાઈટ પર ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવામાં આવશે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, બિહાર સહિત તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોઈ જ્યાં આજથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કામાં 1 કરોડ હેલ્થકેર વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન ફ્રીમાં અપાશે. જેનો લાભ હેલ્થકેર કર્મચારીઓમાં ડોક્ટર, નર્સ, ANM જેવી સ્વાસ્થ્ય કામગીરી સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે સાથે જ ફ્રન્ટલાઈન કર્મચારીઓમાં સ્વચ્છતા કર્મચારી, પોલીસ, હોમગાર્ડના જવાન અને સેનાના જવાનોનો પણ સમાવેશ કરાયો છે.
બીજા તબક્કમાં ઓગસ્ટ સુધીમાં 50 વર્ષથી વધુ ઉમરના લોકો અને ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં લગભગ અંદાજિત 27 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે.
સરકારે તા.3 જાન્યુઆરીએ બે વેક્સિનને મંજૂરી આપી છે. પહેલી સ્વદેશી કોવેક્સિન વેક્સિન છે જેને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે. બીજી કોવીશીલ્ડ વેક્સિંન છે જેને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકા કંપનીએ તૈયાર કરી જેને પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્રારા બનાવામાં આવી છે. વેક્સિનેશનમાં હાલ પોતાની મરજી પ્રમાણે વેક્સિન લગાવવાનો વિકલ્પ કોઈને નહીં મળે. ભારતની વસ્તી અંદાજિત 130 કરોડ છે. વેક્સિનેશન પોગ્રામ દેશમાં યોજાતી ચૂંટણીઓના અનુભવ જેમ જ ચાલશે. ગૃહ મંત્રાલયે ચૂંટણી પંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણી વિસ્તારની યાદી શેર કરવાનો આગ્રહ કર્યો છે જેથી પ્રાયોરિટીના આધારે લોકોની ઓળખ મેળવી શકાય. દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે લોકો 5 વાગ્યા સુધી આવી જશે તેમને જ વેક્સિનેટ કરાશે, દરેક સ્થળ ઉપર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ વેક્સિનેટ કરાશે. સ્થળ ઉપર હાજર કર્મચારીઓ પાસે લાભાર્થીઓની 3 હાર્ડ કોપી હશે. વેક્સિન લેનારના નામ Co-WIN એપ પર પણ અપલોડ થશે. આજે વેક્સિન લેનારના નામ ત્રણ દિવસ પહેલાથી જ અપલોડ કરી દેવાયા છે. પહેલા તબક્કામાં વેક્સિન ફ્રીમાં લાગશે.જેમાં 3 કરોડ લોકોનો વેક્સિનેશનનો ખર્ચ સરકાર ઉઠાવશે. સરકાર દ્રારા હાલ 1.65 કરોડ વેક્સીન ડોઝ ખરીદાયા છે જેમાં કોવીશીલ્ડના 1.1 કરોડ અને કોવેક્સિનના 55 લાખ ડોઝ ખરીદવામાં આવ્યા છે. 28 દિવસ બાદ દરેક વ્યક્તિને બીજો ડોઝ અપાશે. વેક્સિન લગાવવા માટે Co-WIN એપ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. એપ દ્વારા લોકોને શિડ્યૂઅલ, લોકેશન અને વેક્સિન કોણ લગાવશે તેની માહિતી ખબર પડી શકશે. વેક્સિન લાગ્યા પછી સર્ટિફિકેટ આ એપ પર જ આપવામાં આવશે.
દેશમાં દરેક રાજ્યમાં કોરોના કેસોને લઇ વેક્સીન પહોંચાડવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રમાં 210 કેન્દ્રો ઉપર 24,479 વેક્સીન - રાજસ્થાનમાં 161 કેન્દ્રો ઉપર 23,591, વેક્સીન - તમિલનાડુમાં 230 કેન્દ્રો ઉપર 22,071 વેક્સીન - પશ્વિમ બંગાળમાં 224  કેન્દ્રો ઉપર 21,950 વેક્સીન - ગુજરાતમાં 160  કેન્દ્રો ઉપર 20,950 વેક્સીન - ઉત્તરપ્રદેશમાં 170  કેન્દ્રો ઉપર 18,155 વેક્સીન - બિહારમાં 167  કેન્દ્રો ઉપર 18,021 વેક્સીન - આંધ્રપ્રદેશમાં 178  કેન્દ્રો ઉપર 17,850 વેક્સીન - કર્ણાટકમાં 152  કેન્દ્રો ઉપર 15,809 વેક્સીન અને મધ્યપ્રદેશમાં 150 કેન્દ્રો ઉપર 15,000 વેક્સીન આપવામાં આવી છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com