પાટીલની રેલીમાં કોરોના ભુલાયો - ના માસ્ક ના ડિસ્ટન્સિંગ - ફક્ત ભાજપ અડીખમ

પાટીલની રેલીમાં કોરોના ભુલાયો - ના માસ્ક ના ડિસ્ટન્સિંગ - ફક્ત ભાજપ અડીખમ

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ હોઈ તમામ પક્ષોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરી પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં આજે અમદાવાદમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપની રેલી યોજાઈ હતી. શહેરના કોટ વિસ્તારમાં સતત 6 કલાક અને 20 કિ.મી લાંબી રેલી યોજાઈ હતી. રોડ ઉપર પીક અવર્સ દરમિયાન ભાજપની રેલી યોજાવાના લીધે અમદાવાદીઓ અટવાઈ ગયા હતા તો બીજી તરફ મુસાફરોને લઈ જતી એસટી બસો પણ ફસાઈ હતી આમ લોકોની સમસ્યાના નિવારણ માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો જ આજે લોકો માટે સંશયનું કારણ બન્યા છે જેને લઇ અસારવામાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ પાટીલની રેલીમાં ફસાઈ ગઈ હતી. દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતા જેને બહાર કાઢવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હતી. 20 કિ.મીની આ રેલીમાં ટ્રાફિકને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. પાટીલની આ રેલી શહેરના 17 વોર્ડ અને 7 વિધાનસભા મતવિસ્તારમાં ફરી આખરે ખાડિયાના કામનાથ મહાદેવ પહોંચી પૂર્ણ થઈ હતી. રેલીમાં આગળ ભાજપની મહિલા કાર્યકરો માથે સાફો પહેરીને પાટીલના સ્વાગત માટે તૈયાર કરાઈ હતી. સી.આર.પાટીલની રેલી કોટ વિસ્તારના ભરચક વિસ્તાર કાલુપુર પાંચકૂવા દરવાજા, ભાટીવાડ, ખાડિયા, રાયપુર દરવાજા માંથી પસાર કરવામાં આવી હતી જ્યારે રેલી કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે પાંચકૂવા દરવાજા રોડથી ખાડિયા રોડ અને ખાડિયા ચાર રસ્તા અને રાયપુર દરવાજા પાસે રસ્તાઓ બંધ બંને તરફ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી આમ રસ્તો બંધ રહેવાને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા. સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી રેલી યોજાઈ હતી.
પાટીલની રેલીમાં ભાજપના કાર્યકરોએ કોરોના છે જ નહીં એવી રીતે પ્રચાર કરતા જાહેરમાં ટોળે ટોળા ભેગા થયા હતા. ગુજરાત સરકાર સામાન્ય રીતે લોકોને કોરોનાના નિયમો પાળવાની સલાહો આપે છે પરંતુ પોતાના પક્ષના લોકો જ નિયમોનો ભંગ કરે ત્યારે સરકાર તેમની વિરૂદ્ધ પગલાં કેમ નથી લેતી ?
સામાન્ય માણસને માસ્કને લઈને 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. ત્યારે રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવું કશું જોવા જ નહિ મળતા આમ જનતાના મનમાં અનેક સવાલો ઉભા થયા છે કે સરકાર આમ જનતાની નહિ પણ ખાસ માણસો અને નેતાની છે. આમ પ્રજાના રોષનો ભોગ ચૂંટણીમાં બને છે કે નહિ તે તો ચૂંટણી પરિણામો જ બતાવશે.