પાટણ : ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર કશ્મીરી એપલ બોરની સફળ ખેતી

પાટણના યુવા પ્રગતિશીલ ખેડૂત પાર્થ પટેલે ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર પાટણમાં કશ્મીરી એપલ બોરની સફળ ખેતી કરી પાટણ જિલ્લામાં બાગાયતી પાકમાં નવી જાતનો ઉમેરો કર્યો છે.લોકડાઉનના નવરાશના સમયનો સદઉપયોગ કરી એક હેકટરમાં કશ્મીરી એપલ બોરના ઉત્પાદન થકી અંદાજીત બે લાખ રૂપિયાની આવક મેળવી છે.જોઈએ પાટણથી યુવા પ્રગતિશીલ ખેડૂતનો વિશેષ અહેવાલ...
કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં સમય કેવી રીતે પસાર કરવો તેની સૌ કોઈને ચિંતા અને મુંઝવણ સતાવતી હતી.ત્યારે પાટણના એક યુવા પ્રગતિશીલ ખેડૂત પાર્થ પટેલે પોતાના ભાઈ પ્રિન્સ પટેલ સાથે મળી લોકડાઉનના સમયમાં કશ્મીરી એપલ બોરની સફળ ખેતી કરી પાટણ જિલ્લામાં બાગાયતી ખેતીમાં અભિનવ પ્રયોગની નવીન કેડી કંડારી છે.સંપૂર્ણ ઓર્ગેનિક, અને ગાય આધારિત એપલ બોરની ખેતીમાં તેમણે સૂક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે તેમજ છાણીયું ખાતર અને ઓર્ગેનિક લિકવિડ ન્યુટ્રિયનના ઉપયોગ થકી પ્રથમ વર્ષે જ અંદાજીત બે લાખ રૂપિયાનું જંગી ઉતપાદન મેળવ્યું છે.તેમણે રાયપુર થી એપલ બોરનો મધર પ્લાન્ટ મંગાવી પોતાની સરકારી નર્સરીમાં તેનું ઉત્પાદન કર્યું છે. હાલમાં તેમણે પ્રયોગાત્મક ધોરણે એક હેક્ટરમાં 600 એપલ બોરના પ્લાન્ટનું સફળ વાવેતર કર્યું છે.ખાવામાં સફરજન જેવા મીઠા અને દેખાવે નાના સફરજન જેવા લાગતા આ બોર બઝારમાં 30 થી 40 રૂપિયે કિલોના ભાવે વેચાય છેે. તો નિંદામણના નિરાકરણ માટે તેમણે આ પાકમાં ખાસ મલચિંગનો ઉપયોગ કર્યો છે..તેમના આ પ્રયોગાત્મક અભિગમ પાછળ થયેલા ખર્ચની વાત કરીએ તો પ્લાન્ટમાં તેમને 50,000, છાણીયા ખાતરનો ખર્ચ 12,000, ડ્રિપ ઇરીગેશનમાં 70,000 ,પ્લાસ્ટિકના મલચિંગ પાછળ 37,000 અને ઓર્ગેનિક લિકવિડ ન્યુટ્રિયન પાછળ 2000 જેટલો ખર્ચ થયો છે.તો નવાઈ ની વાત એ છે કે પાર્થ પટેલ પોતે બી.એસ.સી.એગ્રિકલ્ચર નો અભ્યાસ કરેલો છે અને પોતાને મળેલી નોકરી છોડી આજે ખેતીનો વ્યવસાય અપનાવ્યો છે.
એપલ બોરના બાગાયતી પાક માટે પાર્થ પટેલને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને પાટણ જિલ્લા બાગાયતી કચેરીના અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે, તો પ્લાન્ટના નિભાવ માટે હેકટર દીઠ 40,000ની સરકારી સબસિડીની સહાય, છાણીયા ખાતરમાં 12,000 ની સહાય, ડ્રિપ ઇરીગેશન માં 70,000 અને ઓર્ગેનિક લિકવિડ ફર્ટિલાઈઝરમાં હેકટર દીઠ 10,000ની સરકારી સહાય મેળવી છે, તો ગાય આધારિત ખેતી કરતા હોય દર મહિને ગાયના નિભાવ પેટે 900 રૂપિયાની સરકારી સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે
હાલના સમયમાં ખેતી પરંપરાગત વ્યવસાય રહી નથી આધુનિક ટેકનોલોજી,બિયારણોની નવીન જાતો અને નવિન સંશોધનની મદદથી ખેતી આધુનિક બની છે ત્યારે પાર્થ પટેલ અને પ્રિન્સ પટેલ જેવા યુવા અને પ્રગતિશીલ ખેડૂતો અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બનવાની સાથે કૃષિ આધારિત ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ અમૂલ્ય ફાળો આપી રહ્યા છે