પ્રદેશ પ્રમુખ પાટીલના વિસ્તારમાં આજે પણ ટેન્કર દ્વારા અપાય છે પાણી - ડ્રેનેજ લાઈન પણ નથી

પ્રદેશ પ્રમુખ પાટીલના વિસ્તારમાં આજે પણ ટેન્કર દ્વારા અપાય છે પાણી - ડ્રેનેજ લાઈન પણ નથી

ભારતના 100 સમાર્ટ સિટીઓમાં સુરત સ્માર્ટ સિટી તરીકે પ્રથમ ક્રમાંકે પણ રહી ચૂક્યું છે જેની વાસ્તવિકતા એ છે કે સુરત સ્માર્ટ સિટીમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારના ગાયત્રી નગર, ગાંધીનગર અને પ્રિયંકાનગરમાં 20 વર્ષ બાદ પાણીની લાઈન આવી છે. પરંતુ આજે પણ લોકો અન્ય પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારમાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા હજુ નથી તેમજ શિવાજી નગરના લોકો આજે પણ ટેન્કરના પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ શિવાજીનગરમાં અનેક સમસ્યાઓ છે. જેમકે ત્યાં પાકા રોડ રસ્તા નથી તો પ્રાથમિક સુવિધાને લઇ પીવાના પાણીની લાઇન પણ નથી.
સુરત મહાનગરપાલિકા દ્વારા 6 મહિના પહેલા શૌચાલય બનાવી દેવામાં આવ્યા પણ આજદિન સુધી ડ્રેનેજ લાઇન આપવામાં આવી નથી. ડ્રેનેજ લાઇન ન હોવાના કારણે શૌચાલય પણ બંધ મૂકી રાખવામાં આવ્યા છે. આ શૌચાલય ક્યારે થશે તે અંગે તેમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પાણીની સમસ્યાને લઇને સ્થાનિક નગરસેવકને રજૂઆત કરવા ગયાં હતાં પરંતુ આજદિન સુધી અમારી ફરિયાદનું હજુ કોઈ નિવારણ આવ્યું નથી તેમજ અમારામાં વિસ્તારમાં પાણીની લાઇન ન હોવાના કારણે અન્ય વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે. પાણીંના ટેન્કરનું નક્કી હોતું નથી કે ક્યારે આવે ક્યારે નહીં આવે, તેમજ કોઈક વાર પૈસાથી પણ પાણીની ખરીદી કરતા હોઈએ છીએ.
વધુમાં સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રોડ રસ્તા ન હોવાના કારણે પાણી ભરાતા મચ્છરોનું સામ્રાજ્ય ફેલાયું છે તેમજ બીજી સમસ્યા સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી રાત્રી દરમિયાન નાના બાળકો કે મહિલાઓ ઘરની બહાર નીકળી શકતા નથી અને રાત્રી દરમિયાન ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે. ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી બાળકો અને વૃદ્ધો બીમાર પડે છે.
સુરત સ્માર્ટ સિટીના બણગા ફૂંકનાર ભાજપના કોર્પોરેટરો અને અધિકારીઓ લીંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ પૂરવાર થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારૅ સ્થાનિક રહીશોએ માંગ કરી હતી કે અમને પ્રાથમિક સુવિધા જલ્દીમાં જલ્દી મળે.