ભારતમાં વેક્સિનના પરીક્ષણ આશાસ્પદ - કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન

ભારતમાં વેક્સિનના પરીક્ષણ આશાસ્પદ - કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન

દુનિયામાં ફરી હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી છુટકારો મેળવવા હાલ તમામ દેશોમાં પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ભારતમાં પણ કોરોના વેકસીનની ટ્રાયલ શરુ છે જેને લઇ સારા પરિણામો દેખાઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશને ફાઈઝર કંપનીની વેકસીનની જરૂર નહીં પડે, હાલ દેશમાં અન્ય વેકસીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેના અત્યાર સુધીમાં સેફટી ટ્રાયલના આશાસ્પદ પરિણામ જોવા મળી રહ્યા છે. ડો.હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે ફાઈઝર-બાયોટેકની વેકસીન ઉપર વિચાર કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અમેરિકી કંટ્રોલ ઓથોરીટીએ હજુ સુધી તેને મંજુરી આપી નથી અને જો તેને મંજુરી મળે તો પણ તેના નિર્માતાઓ અન્ય દેશોમાં પુરવઠો મોકલતા પહેલા સ્થાનિક વસ્તીને વેકસીન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે।
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા વેકસીનના 5 કેન્ડીડેટ છે જેમની કોવિડ-19 વેકસીનની હ્યુમન ટ્રાયલ ચાલુ છે. સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા, ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચની સાથે મળીને ઓકસફર્ડ એસ્ટ્રોજેનેકા વેકસીનના ત્રીજા તબકકાની ટ્રાયલ થઈ રહી છે જયારે ભારત બાયોટેકના કોવિડ-19 રસી કોવેકિસનની ત્રીજી ટ્રાયલનું પરીક્ષણ થઈ રહ્યું છે તેમજ કેડીલા હેલ્થની વેકસીન ઝાય કોવિડે પણ બીજા ચરણનું પરીક્ષણ પૂરું કરી લીધું છે. આ ત્રણ સિવાય રશિયન વેકસીન સ્પુટનીક-5ના બીજા અને ત્રીજા ચરણની ટ્રાયલ માટે ભારતના ડો.રેડ્ડીની લેબમાં રશિયન વેકસીન ડેવલપર્સ સાથે કરાર કર્યા છે અને જેનું આ સપ્તાહે કામ શરુ થઈ જશે.