ભાવનગર : દિવ્યાંગજનોને એક ફોનથી કોરોના વેક્સિનેશનની સુવિધા મળશે

કોરોના મહામારીના કપરા સમયમાં સરકાર લોકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપી રહી છે, ત્યારે ભાવનગર વહીવટીતંત્ર દ્વારા ભાવનગર શહેરના વડીલો તથા દિવ્યાંગજનોને એક ફોનથી કોરોના વેક્સિનેશનની સુવિધા મળી શકે તેવું આયોજન કર્યું છે.જેમાં તંત્ર દ્વારા આપવામાં આવેલા લેન્ડ લાઈન નંબર પર કોલ કરવાથી વાહન આપના દ્વારે આવશે અને રસીકરણ સ્થળે લઈ જઈ રસીકરણ કરાવી શકાય તે મુજબનું આયોજન કર્યું છે.
કોરોના મહામારીના કપરા કાળમાં ભાવનગર શહેરમાં વસતા સિનિયર સિટિઝન્સ તેમજ દિવ્યાંગજનોને મદદરૂપ થવા અને કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ તેને અમલી બનાવાયો છે. જેમાં શહેરના ૮૫ વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન્સ તથા દિવ્યાંગોને કોવિડ વેક્સિનેશનની સુવિધા મળી રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ફોન નંબર ૦૨૭૮-૨૪૩૦૨૪૫ ની સુવિધા ઊભી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ ખાતે ઉપરોક્ત નંબર કાર્યાન્વિત કરવામાં આવ્યો છે જે ફોન નંબર પર ફોન કરવાથી રસીકરણ કરાવવા માટે વાહન વ્યક્તિના રહેઠાણના સ્થળે આવશે, જે વરીષ્ઠ નાગરીકોને કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે લઈ જઇ કોરોનાનું રસીકરણ કરાવશે. મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ કરવામાં આવેલી આ નવી પહેલ કે જેમાં શહેરના વરિષ્ઠ નાગરિકો- દિવ્યાંગજનો એક ફોન કરીને કોરોના વેક્સિનેશન સેન્ટર ખાતે સરળતાથી વાહનમાં જઇ શકશે. આનાથી વડીલોને રસીકરણ કેન્દ્ર શોધવામાંથી મુક્તિ મળશે અને પોતાના નજીકના રસીકરણ કેન્દ્ર ખાતે સરળતાથી પહોંચી શકશે. વડીલોને તેમના ઘર સુધી પહોંચીને કોરોના વેક્સિનેશનની સુવિધાનો લાભ મળે તે માટે તંત્રએ પર્યાપ્ત તૈયારીઓ કરી છે. કોરોના રોગચાળાને નિયંત્રણમાં લાવવાં માટે ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ૮૫ વર્ષથી ઉપરના વયોવૃદ્ધ (સિનિયર સિટીઝન) અને દિવ્યાંગ વ્યક્તિઓને કોવિડ વેક્સિનેશનની સુવિધા ઘરની નજીક મળી રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૩ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરો ખાતે કોરોનાનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.