ભાવનગર : હત્યાના આરોપીઓને આજીવન કેદની સજા ફટકાર્તિ સેસન્સ ડિસ્ટિક કોર્ટ

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વે અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીની અદાવત રાખી બે શખસોએ યુવાનને ખાર વિસ્તારમાં લઇ જઇ લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી મરણતોલ ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું જે મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ બંને શખસને તકસીરવાન ઠેરાવી આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જેન્તીભાઇ છગનભાઇ મકવાણાએ જે-તે સમયે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં સાગર જેન્તીભાઇ વેગડ અને રામા કાનાભાઇ બારૈયા (રે.બંને બાનુબેનની વાડી, કુંભારવાડા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૨૮-૧૦-૨૦૧૮ના રોજ તેઓના દિકરા મનોજભાઇ મજુરી કામે ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા તેઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓનો કોઇ અતોપતો લાગ્યો ન હતો દરમિયાન અંગત સબંધીઓમાંથી જાણવા મળ્યું હતું કે, મનોજભાઇને સાગર વેગડ અને રામા બારૈયા બંને ધોકા વડે માર મારી અગરીયાની વાડી ખાર વિસ્તારમાં લઇ જઇ ત્યાં પણ મનોજભાઇને માર મારેલ છે જે બાબતે સાગરને પૃચ્છા કરતા સાગર તેઓને અને તેના કુટુંબીજનોને ઘટના સ્થળ પર લઇ જતા તેઓના દિકરા મનોજભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. સાગર વેગડ અને રામા બારૈયા સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થયેલી તેની દાઝ રાખી બંનેએ લાકડી અને ઢીકાપાટુનો માર મારી મરણતોલ ઇજા પહોંચાડી મનોજભાઇનું મોત નિપજાવ્યું હતું. ઉક્ત બનાવ અનુસંધાને બોરતળાવ પોલીસે આઇપીસી ૩૦૨ તળે ગુનો દાખલ કર્યો હતો.
ઉક્ત કેસ આજરોજ ભાવનગર પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, ૧૦ મૌખીક પુરાવા, ૩૪ દસ્તાવેજી પુરાવાને ધ્યાન પર લઇ બંને આરોપી સાગર જેન્તીભાઇ વેગડ અને રામા કાનાભાઇ બારૈયાને તકસીરવાન ઠેરાવી ઇપીકો ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કારાવાસ અને રોકડ રૂા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.