રાજકોટ : કોવિડ કેર સેન્ટરમાં મહિલા સાથે કોઈ વ્યક્તિએ ગુજાર્યો બળાત્કાર

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલાએ પોતાના પરિવારજનોને કર્યો ફોન, કહ્યું- કોઈએ મારી સાથે બળાત્કાર કર્યો
સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયા સાથેની વાતચીતમાં પોતાના એક સગાએ જણાવ્યું હતું કે, બુધવારના રોજ વહેલી સવારે અમારા પરીજનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ઓછુ હોવાથી તેમની તાત્કાલિક અસરથી સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ રિપોર્ટ નેગેટીવ આવતા તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. તે દરમિયાન સવારે અમારા પરિજનોને અમને ફોન કરીને કહ્યું હતું કે રાત્રીના સમયે તેમની સાથે કોઇ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો છે.