રૂપાણી સરકારે પતંગ મહોત્સવ રદ્દ કર્યો

રૂપાણી સરકારે પતંગ મહોત્સવ રદ્દ કર્યો

કોરોનાની મહામારીને કારણે સાવચેતીના ભાગરૂપે રૃપાણી સરકારે અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર યોજાનારો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાંજ હાઈકોર્ટે નવા વર્ષની ઉજવણી અને ઉત્તરાયણમાં કોરોના ગાઈડલાઈનનો અમલ ચુસ્તપણે કરાવવા આકરી ટકોર કરી હતી તેથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન રદ કર્યા બાદ રૃ૫ાણી સરકારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૫ણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હતો જેમાં લોકોની બેદરકારી અને રાજ્ય સરકારની કાયદાની અમલવારીમાં પોલમ પોલની હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નવા વર્ષની ઉજવણી અને ઉત્તરાયણના તહેવારોમાં સાવચેત રહે તેમજ લોકોની નારાજગીની ચિંતા રાજ્ય સરકાર ન કરે અને રાજ્યમાં કાયદાનું યોગ્ય પાલન કરી જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકે. દિવાળીની જેમ કોરોનાના કેસો ઉપર કાબૂ મેળવવાની પ્રક્રિયા ઉપર ઉત્તરાયણની ઉજવણીથી પાણી ફરી ના જાય તેનું ધ્યાન રાખે સરકારઆમ હાઈકોર્ટની આકરી ટકોર પછી રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા આ વર્ષે અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હજુ રાબેતા મુજબ શરૃ નથી થઈ અને કોરોનાનું સંકટ સમગ્ર દુનિયામાં ફેલાયેલું હોવાથી પતંગ મહોત્સવમાં આવતા વિદેશી પતંગબાજો પણ આવશે કે કેમ તે અંગે શંકાઓ હતી.