રેલવેનો ઇતિહાસ - એક જગ્યાને જોડતી 8 ટ્રેનોને લીલીઝંડી અપાઈ - પીએમ મોદી - રેલ્વે અને સરદાર પટેલના વિઝનનો સંગમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતને મોટી ભેટ આપતા કેવડિયામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 6 રાજ્યોને જોડતી 8 ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. લીલી ઝંડી આપવામાં આવેલી ટ્રેનો કેવડિયાથી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું હતું કે કેવડિયાની ઓળખ સરદાર પટેલ સાથે થાય છે જેમણે સર્વશ્રેષ્ઠ મંત્ર આપ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોનારા લોકોની સંખ્યા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા વધારે છે. લોકાર્પણ પછી લગભગ 50 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચુક્યા છે. કેવડિયાના આદિવાસી ભાઈ બહેનોને આ ટ્રેનો દ્વારા રોજગાર મળશે. રેલ્વેના ઇતિહાસમાં સંભવત પહેલીવાર દેશના જુદા જુદા રાજ્યો માંથી એક જ જગ્યા માટે આટલી બધી ટ્રેનોને લીલી ઝંડી આપી શરૂઆત કરાઈ છે. કેવડિયામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું ચિત્ર જોવા મળ્યું છે. આજનું આયોજન ભારતને સાચા અર્થમાં એક કરે છે. આજે ભારતીય રેલ્વે અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનનો સંગમ થયો છે. સાથે ભારતરત્ન એમ.જી.આરના આદર્શોને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરાયો છે.
કેવડિયા જવા માટેની એક ટ્રેન પુરૈચ્ચી તલૈવર ડો.એમ.જી.રામચંદ્રન મધ્ય રેલ્વે સ્ટેશનથી આવી રહી છે તે પણ એક ખુશ સંયોગ છે કે આજે ભારતરત્ન એમ.જી. રામચંદ્રનની જન્મજયંતિ છે. નાનું પણ સુંદર કેવડિયા એક આયોજિત રીતે પર્યાવરણને સુરક્ષિત કરતી વખતે અર્થતંત્ર અને ઇકોલોજી કેવી રીતે ઝડપથી વિકસિત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વધતા જતા પર્યટનને કારણે કેવડિયાના આદિવાસી યુવાનોને રોજગારી મળી રહી છે. આધુનિક સુવિધાઓ અહીંના લોકોના જીવનમાં ઝડપથી પહોંચી રહી છે.
વડાપ્રધાને રેલવેને લઇ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં દેશમાં સમગ્ર રેલ્વે સિસ્ટમમાં વ્યાપક પરિવર્તન લાવવાની કામગીરી કરવામાં આવી છે. આ કામ નવી ટ્રેનોની ઘોષણા, બજેટમાં વધારો ઘટાડો પૂરતી મર્યાદિત નહતી. આ ફેરફારો ઘણા મોરચે એક સાથે થયા છે.કેવડિયા ખાતે દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે.
વડાપ્રધાને આજે સવારે 11 વાગ્યે અમદાવાદ તથા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન કેવડીયા માટે વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવી હતી જેમાં રાજકીય તથા સામાજિક આગેવાનો, સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાઓ, ન્યાયતંત્ર, કલા તથા સાહિત્ય, પ્રવાસન વગેરે ક્ષેત્રોના આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વગેરેએ ખાસ આમંત્રિત તરીકે પ્રવાસ કર્યો હતો.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com