વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સાંકેતિક વિરોધ - ગેસની બોટલ અને ખાતરની થેલી સાયકલ પર લઇ મતદાન કર્યું

જરાત રાજ્યમાં આજે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જેને લઇ સવારથી બુથો બહાર મતદારોની લાઈનો લાગી હતી તેમજ અનેક રાજકીય નેતાઓએ પણ આજે મતદાન કર્યું છે. ત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ અને સૌનું ધ્યાન વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ખેંચ્યું હતું. પરેશ ધાનાણી અમરેલીમાં મતદાન કરવા સાયકલ પર સવાર થઇ તેઓએ પેટ્રોલ - ડીઝલના ભાવ વધારાને લઇ સાંકેતિક વિરોધ કર્યો હતો ઉપરાંત સાયકલ પાછળ તેમણે ખાતરની થેલી રાખી ખાતરના ભાવ વધારા અંગે પણ વિરોધ નોંધાવ્યો હતો. દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા પરેશાન છે તેમજ ખાતરમાં વધી રહેલા ભાવથી ખેડૂતો પરેશાન છે અને ગેસ સિલિન્ડરના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે. ત્યારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નવતર વિરોધ કર્યો હતો.
વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે અન્ય મતદારો પણ સાયકલ લઈ જોડાયા હતા તેઓએ સાયકલ પર ગેસ સિલિન્ડર રાખ્યા હતા. અમરેલી શહેરના રસ્તા પરથી નેતા વિપક્ષ સાયકલ પર ખાતરની બેગ રાખી પસાર થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા. પરેશ ધાનાણીએ પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મોંઘવારીએ માઝા મૂકી છે અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર શું કરે છે ?
ગાંધી અને સરદારના ગુલામ બનેલા ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. મોંઘી વિજળી, મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર અને ખેતપેદાશ પર કર અને તેમની જમીન ભૂ માફિયા બથાવી રહ્યુ છે. મંદી મોંઘવારી અને બેરોજગારીને ટાળવા માટે ભાજપને જાકારો આપવો જરૂરી છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com