વર્ષોની રાહ જોયા બાદ સુરતથી યુપી - બિહારની ફલાઇટો શરુ થશે

વર્ષોની રાહ જોયા બાદ સુરતથી યુપી - બિહારની ફલાઇટો શરુ થશે

સુરતમાં યુપી - બિહારવાસીઓ માટે નવા વર્ષની શરૂઆતમાં જ બે ફલાઇટ શરુ કરવામાં આવતા ખુશી જોવા મળી છે. જેમાં સુરતથી વારાણસી - પટનાની ફલાઇટ શરુ કરવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન સુરત અને યુપી - બિહાર વચ્ચે નવી ફલાઇટ શરુ કરવામાં આવતા વેપાર અર્થે અવર જવર કરતા વેપારીઓને રાહત મળશે. સુરતથી વારાણસી અને પટના માટે આગામી તા.12 જાન્યુઆરીથી 189 સીટીની ફલાઇટ સ્પાઇસ જેટ દ્વારા શરુ કરાશે જેમાં વારાણસી ફલાઇટ વીકમાં 4 દિવસ તેમજ પટના માટે વીકમાં 3 દિવસ ઉડાન ભરશે. આમ વર્ષોની રાહ જોયા બાદ સુરતથી ઉત્તરપ્રદેશ અને બિહાર માટે નોન સ્ટોપ ફલાઇટની શરુઆત થશે. આ બંને રુટથી વાયા થઇને કોલકતાની પણ ફલાઇટ શરુ થવા જઇ રહી છે. વારાણસી અને પટના માટે ફલાઇટ શરુ કરવાની માંગ 4 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જેને લઇ ગત વર્ષે તા.24 ડિસેમ્બરના રોજ સ્પાઇસ જેટની સૂરતથી કોલકાતાની ફલાઇટને રદ્દ કરી દેવામાં આવી હતી. બંને રુટ ઉપર 100 ટકા પેસેન્જર ટ્રાફિક મળવાની શક્યતાના પગલે કોલકાતા ફલાઇટને આ બંને રુટથી વાયા જોડી દેવામાં આવી છે. સુરતથી વારાણસી અને પટના માટે ફલાઇટનું શરુઆતી ભાડુ 3500 રુપિયા હશે જ્યારે આગળ ટ્રાફિકને ધ્યાનમાં લઇને ભાડામાં વધારો પણ કરવામાં આવી શકે છે.
સ્પાઇસ જેટ દ્વારા સત્તાવાર શિડ્યૂલની જાહેરાત કરતા સુરતથી વારાણસીની ફલાઇટ અઠવાડિયામાં સોમ, બુધ, શુક્ર અને રવિવારના રોજ બપોરે 12.10 કલાકે ઉડાન ભરી બપોરે 13.50 વાગે વારાણસી પહોંચશે.
સુરતથી પટના માટે અઠવાડિયામાં મંગળ, ગુરુ અને શનિવારે બપોરે 12.10 વાગે ઉડાન ભરી બપોરે 2.40 કલાકે પટના પહોંચશે.
સુરતથી કોલકતા વાયા વારાણસી થઇને બપોરે 12 વાગે ઉડાન ભરે અને સાંજે 4 વાગે કોલકાતા પહોંચશે જ્યારે સુરતથી વાયા પટના થઇને સાંજે 4.15 કલાકે કોલકાતા પહોંચશે. જ્યારે પરત માટે કોલકતાથી સવારે 9 વાગ્યે ઉડાન ભરીને 11.40 વાગે સુરત પહોંચશે.