શિવસેનાના નેતૃત્વવાળી સરકારનો હીસ્સો બની શકે છે એનસીપી : સ્પીકર પદ માંગ્યું

શિવસેનાના નેતૃત્વવાળી સરકારનો હીસ્સો બની શકે છે એનસીપી : સ્પીકર પદ માંગ્યું

હાલમાં જ મહારાષ્ટ્રમાં થયેલી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ ખેંચતાણ સતત ચાલી રહી છે. બીજેપી અને શિવસેનાની વચ્ચે હજુ સુધી સુમેળ સધાયો નથી. આ દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના સાથે મળી સરકાર બનાવી શકે છે જયારે કોંગ્રેસ આ ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી શકે છે. અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ સરકાર રચવા માટે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવારની વચ્ચે સોમવારે દિલ્હીમાં લાંબી ચર્ચા થઈ.
અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટીના એક નેતાએ નામ ન જણાવાની શરતે કહ્યુ હતું કે એનસીપી - શિવસેનાની સાથે મળી સરકાર બનાવવા માટે તૈયાર છે અને કોંગ્રેસ બહારથી સમર્થન આપશે. આ ઉપરાંત કોંગ્રેસના જ એક નેતાને વિધાનસભામાં સ્પીકરની પોસ્ટ આપવામાં આવી શકે છે.
એનસીપીના એક નેતાએ કહ્યુ કે અમે સરકાર બનાવવા માટે એ જ ફોર્મ્યૂલા રાખ્યો છે જે 1995 માં શિવસેના - બીજેપીએ નક્કી કર્યો હતો.
સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ શરદ પવારે કહ્યુ હતું કે બીજેપી - શિવસેનાને પૂર્ણ બહુમત મળ્યું છે સરકાર બનાવવાની જવાબદારી તેમની છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે એનસીપી સમર્થન આપશે. તો તેના જવાબમાં શરદ પવારે કહ્યુ કે અમને હજુ સુધી કોઈએ પૂછ્યું નથી. શિવસેના તરફથી હજુ સુધી કોઈએ અમારી સાથે વાતચીત નથી કરી કે ન તો અમારા તરફથી આવો કોઈ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
મહારાષ્ટ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈપણ પાર્ટીને બહુમત નથી મળ્યું. 288 સીટોવાળી વિધાનસભામાં બીજેપીને 105, શિવસેનાને 56, કોંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો મળી છે. સરકાર રચવા માટે કોઈપણ પાર્ટીને 145 ધારાસભ્યો જોઈએ. શિવસેના અને બીજેપીએ ગઠબંધન કરી ચૂંટણી લડી હતી છતાં હજુ સુધી બંને સાથે મળીને સરકાર રચી શકયા ન હોઈ મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક અટકળોએ વેગ પકડ્યો છે.