શહેરો નિરશ તો ગામડાઓ ગાજ્યા - સુરત જિલ્લામાં મધર ઇન્ડિયા અને સ્વાતંત્ર્યસેનાનીએ મતદાન કર્યું

શહેરો નિરશ તો ગામડાઓ ગાજ્યા - સુરત જિલ્લામાં મધર ઇન્ડિયા અને સ્વાતંત્ર્યસેનાનીએ મતદાન કર્યું

ગુજરાત રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓનું આજે રવિવારે સવારે 7 થી સાંજે 6 દરમિયાન મતદાન યોજાયું હતું જેને લઇ હાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પર કુલ 2.97 કરોડ મતદારો હતા જેમાંથી 60 ટકા મતદારોએ મતદાન કર્યું છે. હવે તા.2જી માર્ચે મતગણતરી યોજાશે. જો કે મતદાન મામલે નિરશ રહેલા શહેરો કરતા ગામડાના મતદારો ગાજ્યા છે જેને લઇ સાંજે 6 વાગ્યા સુધીનું સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. આમ મહાનગર પાલિકાના મતદાન કરતા 15 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. જ્યારે 6 મહાનગરપાલિકામાં કુલ 1,14,67,358 મતદારો હતા જેમાંથી 46.08 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત સુરત જિલ્લા - તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણીમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી. આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે જઈ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
મણિબેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનથી આજની યુવા પેઢીએ શીખવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ કરેંગે યા મરેગે નો નારો આપ્યો ત્યારે સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ જુસ્સા સાથે લડત ચલાવી હતી. એ સમયે આદિવાસી સમાજના અણમોલ રત્ન એવા મણિબેન તથા તેમના પતિ બાપુભાઈએ સાથે મળીને આઝાદીના આંદોલન સાથે અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મણિબેને કહ્યું હતું કે 1942 માં વિદેશી કાપડનું વેચાણ કરતા વેપારીઓની દુકાન સામે પિકેટીંગ કરવા જતા ઓલપાડ ખાતેથી મારી અને અમારા સમૂહની 5 બહેનોની ધરપકડ કરવામાં આવી ત્યારે મારી ઉમર ૨૦ વર્ષની હતી. કોર્ટ દ્વારા 6 મહિનાની સજા કરવામાં આવી હતી જેને લઇ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલ ભરો આંદોલનના કારણે જેલમાં કેદીઓનો ભરાવો થઈ જતા બે મહિનામાં અમને મુકત કરવામાં આવ્યા હતા. ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી બલિદાનો આપ્યા છે જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ. હાલ મણિબેન 99 વર્ષ પૂર્ણ કરીને શતાયુ વર્ષમાં પ્રવેશ કરી ચુક્યા છે છતાં તે દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે. તેઓ પોતાનું રોજીંદુ કામ પણ જાતે જ કરે છે. પરિવાર શાંતિથી જીવન જીવવાનો આગ્રહ કરે છે પણ તેઓ કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે તેવું જણાવે છે. આઝાદીના જંગના સાક્ષી રહેલા સ્વતંત્રતા સેનાનીઓ આજે સ્વતંત્ર અને આધુનિક ભારતના લોકશાહી પર્વમાં ભાગ લઈ રહ્યા છે એ નવી પેઢી અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
તો બીજી તરફ ફિલ્મ મધર ઈન્ડિયામાં નરગીસ ઈજાગ્રસ્ત થતાં પાત્ર ભજવનાર ભીખીબેને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ મધર ઈન્ડિયાનું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના વતની અને ફિલ્મમાં નરગિસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ ઉમરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં 85 વર્ષની વયે મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા ભીખીબેને જણાવ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ. જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ.
મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું. ફિલ્મમાં આગના દ્રશ્યના શુટીંગ સમયે અભિનેત્રી નરગીસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મના નિર્માતા મહેબુબે નરગીસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટીંગમાં લેવાની વાત કરી હતી જેને લઇ ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને નિભાવી હતી. ભીખીબહેન ધો.6 સુધી ભણ્યા છે આજે પણ કોઈના સહારા વિના ઘરનું બધુ જ કામ જાતે કરે છે.