સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દોડતી થઇ - કોંગ્રેસે કર્યા પ્રહાર

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દોડતી થઇ - કોંગ્રેસે કર્યા પ્રહાર

સુપ્રીમ કોર્ટની ગુજરાત સહીત 4 રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા ગુજરાત સરકાર દોડતી થઇ છે અને સુપ્રીમના આદેશને ગંભીરતાથી લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને તાત્કાલિક અસરથી કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાનારી આ બેઠકમાં ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અને તેની સામે લેવામાં આવી રહેલા પગલા મુદ્દે સમીક્ષા હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શુક્રવાર સુધીમાં કોરોનાની સ્થિતિ અંગેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો છે.
આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ સહીત 4 રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો છે ત્યારે જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ બેકાબૂ બની રહી છે જેથી આ રાજ્યો 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. છેલ્લાં 5 દિવસમાં ગુજરાતમાં રોજના 1400થી વધુ કેસ આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે અમદાવાદમાં 2 દિવસ 57 કલાકનું કર્ફ્યુ લગાવ્યા બાદ 4 મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રિ કર્ફ્યૂ પણ લાગુ કરી દીધો છે. ફક્ત અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો રોજના 300થી વધુ કેસ આવી રહ્યા છે. છેલ્લાં 5 દિવસમાં 1507 કેસ નોંધાયા છે અને 24 લોકોના મોત થયા છે જેની સાથે અમદાવાદમાં કુલ મૃતાંક 1969 પર પહોંચ્યો છે ત્યારે તંત્રએ અહીં આકરા પગલા લેવાની ફરજ પડી છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે જો કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ થશે તેવી જાહેરાત કરી હતી સાથે યુવાનોને પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કોંગ્રેસ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગુજરાત સરકારની ટીકા કરતા કહ્યું હતું કે ભાજપે કોરોના મુક્ત કરવાના કોઇ યોગ્ય નિર્ણય ન લીધા અને ફક્ત રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતા રહ્યા અને મોતના આંકડા છુપાવતા રહ્યા છે.