સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છીએ પરંતુ કાયદાઓ પરત નહિ ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છીએ પરંતુ કાયદાઓ પરત નહિ ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

દિલ્હીની સરહદો ઉપર કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લઇ રહેલા ખેડૂતો હાલ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા ચુકાદાને લઇ મંથન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચુકાદો આપતા કેન્દ્ર સરકાર તરફથી અમલમાં લવાયેલા ત્રણેય કૃષિ કાયદાના અમલ ઉપર હાલ સ્ટે મૂકી દીધો છે અને સમિતિની રચના કરી છે જે 2 મહિનામાં રિપોર્ટ આપશે ત્યાં સુધી એમએસપી લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇ અને 4 લોકોની સમિતિ અંગે સિંધુ બોર્ડર ઉપર હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. જે બાદ ખેડૂત નેતાઓ પત્રકાર પરિષદ કરીને પોતાનો નિર્ણય જાહેર કરશે.
ખેડૂત આંદોલનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિસાન સંગઠન નક્કી કરેલા એજેન્ડા પ્રમાણે સમિતિમાં શામેલ નહીં થાય એનો મતલબ એ છે કે સુપ્રીમ કોર્ટ તરફથી 4 સભ્યોની બનાવવામાં આવેલી સમિતિ સાથે તેઓ કૃષિ કાયદા અંગે કોઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી. કિસાન સંગઠન ત્રણેય કૃષિ કાયદાને રદ ન કરવામાં આવે ત્યાં સુધી માનવા માટે તૈયાર નથી.
આજે કિસાન આંદોલન સંબંધિત અરજીઓ ઉપર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ ઉપર આગામી આદેશ સુધી અમલ ઉપર બ્રેક લગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કૃષિ આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓને લઇ 4 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિની જવાબદારી કૃષિ બિલ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી સમિતિમાં કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી, ભારતીય કિસાન યૂનિયનના નેતા ભૂપેન્દ્રસિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ધનવંત અને આંતરરાષ્ટ્રીય ખાદ્યનીતિ અનુસંધાનના પ્રમોદ જોશીને શામેલ કરાયા છે.
સુપ્રીમ કોર્ટ દ્રારા રચાયેલી સમિતિ મામલે ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે અને સાથે જ પ્રદર્શનનું સ્થળ પણ નહીં બદલાય.
કિસાન નેતા રાકેશ ટિકેતે કહ્યુ હતું કે અમે સમિતિ બનાવવાનું કહ્યું ન હતું. અમે કાયદો પરત લેવાની માંગણી કરી રહ્યા છીએ. સરકાર જ્યાં સુધી કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે તા.26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરીશું વધુમાં કહ્યું હતું કે ખેડૂત નેતા ભૂપેન્દ્રસિંહ માન અમારા સંગઠનમાં નથી અને અમે તેમને ઓળખતા નથી.
ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢુનીએ કહ્યું હતું કે કાયદાઓ ઉપર  હંગામી પ્રતિબંધ મુકાય છે તો પણ આંદોલન ચાલતું રહેશે. કાયદાઓ સંપૂર્ણપણે રદ થાય એ પહેલાં અમે લોકો પરત જવા તૈયાર નથી. કમિટીના બહાને અમે આંદોલન બંધ કરવાના નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પણ કાયદાઓ રદ થયા પહેલા આંદોલનમાં કોઈ ફેરફાર થશે નહીં.
કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું હતું કે સરકાર કૃષિ કાયદાના મામલાને હેન્ડલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ચીફ જસ્ટિઝે એવો પણ સવાલ કર્યો છે કે કૃષિ કાયદાઓ ઉપર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં સરકાર શા માટે અચકાય છે. હજુ પણ જો સરકાર કાયદાઓ પર પ્રતિબંધ ન મૂકે તો અમે એવું કરીશું.