સુરત કીમથી નવા રણુજાધામની પદયાત્રાએ 17 યુવકો - કોરોના મુક્તિ અને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપશે

સુરત કીમથી નવા રણુજાધામની પદયાત્રાએ 17 યુવકો - કોરોના મુક્તિ અને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપશે

સુરત જિલ્લાના કીમ - મૂળદથી કોરોના મુક્તિ અને પ્રકૃતિ પ્રેમના સંદેશ સાથે નવા રણુજાધામની પદયાત્રા યોજાઈ છે. કીમ ગામની નિલમબાગ સોસાયટી અને બોધાન ગામના 17 જેટલા યુવકોએ 15 દિવસ રણુજાધામની પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે જેને લઇ વહેલી સવારે 6 વાગ્યે નીકળેલા પદયાત્રીઓને પરિવાર સભ્યોએ કુમ કુમ તિલક કરી રંગેચંગે વળાવ્યાં હતાં.
કાલાવડ નજીક આવેલ નવા રણુજાધામ - રામદેવપીરમાં આસ્થા રાખતા પ્રવિણભાઈ શેલડીયાએ જણાવ્યું હતું કે 460 થી વધુ કિ.મીની કિમથી આ પદયાત્રા છે જેમાં મોટાભાગના ખેડૂત યુવકો છે. જેમનો ઉદેશ પ્રકૃતિ પ્રેમ લોકોમાં ફેલાય તેમજ લોકો ઓર્ગેનિક આહાર તરફ વળે અને કોરોનાની ત્રીજી લહેર અગાઉ લોકોમાં જાગૃતિ આવે જે સંદેશો આપવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય એક પદયાત્રી હરેશભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે પદયાત્રામાં 17 જેટલા યુવકો પળપાળા જઈ રહ્યાં છે તેમની સુવિધા માટે ભોજન પણ જાતે જ બનાવવામાં આવશે. એક ટેમ્પોમાં રસોઈને લગતો સામાન રાખવામાં આવ્યો છે. ટેમ્પોમાં વરસાદી સિઝન હોવાથી તાડપત્રી ઢાંકી દેવામાં આવી છે. પદયાત્રીઓ આરામ કરી શકે તે માટે ટેમ્પોમાં ગાદલા રાખવામાં આવ્યાં છે. તેમજ કોઈજાતની અગવડ ન પડે તે માટે એક કાર પણ સાથે રાખવામાં આવી છે. પદયાત્રામાં 20 વર્ષના યુવકથી લઈને 65 વર્ષના વડીલનો સમાવેશ થાય છે.
સૌથી વૃદ્ધ પદયાત્રી 65 વર્ષના ગોકળભાઈ પટેલએ જણાવ્યું હતું કે ભગવાન રામદેવપીરનું નામ લઈને હું સૌ પ્રથમવાર આટલી લાંબી પદયાત્રામાં નીકળ્યો છું. મને વિશ્વાસ છે કે હું ભગવાનની આસ્થા અને શ્રદ્ધાના જોરે પદયાત્રા પૂર્ણ કરીશ. અમારા ગ્રુપના સભ્યોને પણ મોટિવેટ કરવાનું કામ પણ મારે કરવાનું છે. અમે રસ્તામાં લોકોને સારા વિચારો અને સંદેશો આપતાં આપતાં નિર્વિધ્ને યાત્રા પૂર્ણ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.