સુરત : કોવિડ હોસ્પિટલમાં મૃતકના દાગીના ચોરી કરનાર મહિલા ઝડપાઇ

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલની કોવિડ હોસ્પિટલમાં મૃતકના દાગીના ચોરી કરનાર મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ખટોદરા પોલીસે ચોરી કરનાર સફાઈ કરતી મહિલાને સીસીટીવીના આધારે ઝડપી પાડી હતી.
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા આશાપુરી સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ખુશાલ વાઘાણીએ ફરિયાદ કરી હતી કે, તેઓની 53 વર્ષીય માતા 6 એપ્રિલે નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં એડમિટ હતા. આ સમયે ખુશાલ પોતે પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતાં. દરમિયાન 6 તારીખે સાંજે માતાનું અવસાન થયું હતું. તેની ડેડબોડી લેવા માટે તેના બનેવી અને ભાઈ આવ્યા હતા. આ સમયે માતાના કાન અને નાક પરથી દાગીના ગાયબ હતા. આ બાબતે સ્ટાફને પણ જાણ કરવામાં આવી હતી. જો કે દાગીના મળ્યા ન હતા. પછી ખુશાલએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, 6 તારીખે બપોરે માતા બેભાન હતી તે વખતે મહિલાએ દાગીના ચોરી લીધા હતા. આ મહિલાને સિક્યુરિટી સ્ટાફે પૂછ્યું તો, એણે ના પાડી દીધી હતી. પછી ફૂટેજ સામે આવતા તેનો ભાંડો ફુટી ગયો હતો. આ દાગીનાની કિંમત 30 હજાર છે. તો ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજના આધારે દાગીના ચોરી કરનાર સફાઈ કામદાર મહિલા માન દરવાજાની યાસ્મીન ખાનને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.