સુરત : કલેકટર ડોક્ટર ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સહિતના પ્રાદેશિક પક્ષો અને અપક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. ત્યારે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયુ છે. તો તંત્ર દ્વારા પણ મતદાનને લઈ તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યુ હતું. સાથે કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાશે તેમ કલેકટરે જણાવ્યુ હતું. તો પ્રચાર બંધ થતા જ રાજકીય પાર્ટીના બેનરો પણ દુર કરાયા હતાં.
આજે એટલે કે શુક્રવારે 19 ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણીના ધમધમાટ થંભી ગયો છે. 21 ફેબ્રુઆરીએ સુરતમાં 3185 મતદાન મથકો પર મતદાન યોજાશે જે પૈકીના 3185 મતદાન મથકોમાંથી 295 મતદાન મથકોને અતિસંવેદનશીલ અને 1227 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. બીજી તરફ કોરોનાને કારણે આ વખતે મતદાન સ્લીપ પણ મતદારોને મળશે નહીં. ત્યારે સુરત કલેકટરાલેય સુરત કલેકટર ડોક્ટર ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ચુંટણી સંબંધિત કામગીરીની પ્રગતિ અને ચુંટણી પ્રક્રિયાના સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતા જણાવ્યુ હતું કે, શહેરમાં મતદાન માટે 967 બિલ્ડીંગોમાં 3185 મતદાન મથકો છે. 30 વોર્ડના 32 લાખ 88 હજાર 352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દરેક મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો નોંધાયા છે. 30 વોર્ડમાં 15 આર.ઓ. ફરજ બજાવશે. તો સાથે ઈવીએમ અને ચુંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પુર્ણ કરી ફરજ સોંપી દેવાઈ છે. અને 20મીના રોજ જ તેઓ ફરજના સ્થળે રવાના થશે. 23મીએ એસ.વી.એન.આઈ.ટી. કોલેજ અને મજુરાગેટ ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. તો આર.ઓ. દ્વારા ડિસ્પેચીંગ સેન્ટરો પર ઈવીએમ અને મેનપાવરને ફરજ સોંપણીની કામગીરી પણ પુર્ણ કરી દેવાઈ છે. તો આ અંગે વધુ માહિતી સુરત કલેકટર ડોક્ટર ધવલ પટેલે આપી હતી.
સુરત મનપાની ચુંટણીના પ્રચાર પડઘમ શાંત પડતા જ સુરતના જુદાજુદા વિસ્તારોમાં લગાડાયેલા રાજકીય પાર્ટીના બેનરો પણ તંત્ર દ્વારા દુર કરવાની કામગીરી કરાઈ હતી.
વધુમાં ચુંટણીપ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરાશે. તો સાથે મતદાન કેન્દ્ર પર સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા પણ કરાશે. અને મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોની થર્મલ ગનથી ચકાસણી કરાશે.