સુરત : ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત

સુરતની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હાલ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓના સંબંધીઓને અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવાનું પણ જણાવી દેવાયુ હોય જેને દર્દીઓના સંબંધીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને સાથે દર્દીની તબિયતને લઈને પણ ચિંતામાં વધારો થયો છે.
સુરત શહેર અને જિલ્લામાં ઓક્સિજનની એકાએક અછત ઉભી થતા વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં હોવાને કારણે અથવા તો સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાને કારણે કોરોના સંક્રમિત દર્દીઓના સંબંધીઓ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. છેલ્લા સાત-આઠ દિવસથી સારવાર લેતા દર્દીઓ અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તેમની પાસે ઓક્સિજનનો પુરવઠો ન હોવાને કારણે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચન કરાયું છે. જેને લઇને દર્દીઓના સંબંધીઓમાં રોજ જોવા મળી રહ્યો છે. તેમજ દર્દીની તબિયત ને લઈને ચિંતા પણ વધી ગઈ છે. દર્દીઓ દસ-બાર દિવસથી મિશન હોસ્પિટલની અંદર સારવાર લઇ રહ્યા છે. અને આજે સવારે મિશન હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓના સંબંધીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તેમના સંબંધીઓને જાણ કરી હતી. જેથી દર્દીના સંબંધી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અન્ય ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને ત્યાં પણ ઓક્સિજનની સુવિધા મળશે કે કેમ તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી.
ઘણી બધી ખાનગી હોસ્પિટલના દર્દીઓને આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં દરેક વ્યક્તિ જાણે છે કે, હોસ્પિટલમાં બેડ ખાલી મળી શકે એવી સ્થિતિ ખૂબ ઓછી છે, છેલ્લા આઠ દસ દિવસથી સતત લાખો રૂપિયાનો ખર્ચો કરીને સારવાર અપાવી રહેલા દર્દીના સગા સંબંધીઓ સાથે ખાનગી હોસ્પિટલ ગંભીરતાપૂર્વકનું આયોજન કર્યું નથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે.