સુરત : જો હવે ચૌટા બજારમાં પાર્કિંગ કર્યુ તો હવા કાઢી નાંખવામાં આવશે

સુરતના સૌથી જુના ચૌટા બજારના રહીશો હવે દુકાનદારો અને ત્યાં આવતા ગ્રાહકોના વાહનોને લઈ મુશ્કેલીમાં મુકાયા હોય જેથી બેનર મારી જો બહારના કોઈ પણ વ્યક્તિએ આડેધડ પાર્કિંગ કર્યુ તો હવા કાઢી નાંખવામાં આવશે તેવા બેનરો મારી દીધા છે.
સુરતના મધ્યમાં આવેલ ચૌટા બજાર કે જે ઐતિહાસિક બજાર કહેવાય છે ત્યાંના રહીશો વર્ષોથી દુકાનદારો અને ખરીદી કરવા આવતા ગ્રાહકોને લઈ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકોએ પોતાનો સ્યંમ તોડી નાંખ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વારંવાર દુકાનદારો અને ગ્રાહકો દ્વારા આડેધડ કરાતા પાર્કિંગને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ચૌટા બજારના રહિશો દ્વારા હાલમાં બેનરો મરાયા છે. જેમાં લખાયુ છે કે આ વિસ્તાર રહેણાંક છે. અહી બહારના કોઈપણ વ્યક્તિએ પોતાના વાહનો પાર્ક કરવા નહી. દુકાનદારોએ પોતાના વાહન પોતાના પાર્કિંગમાં પાર્ક કરવા, બહારના દબાણકર્તાઓએ પોતાના વાહનો આ વિસ્તારમાં પાર્ક કરવા નહી. નહી તો હવા કાઢી નાંખવામાં આવશે અથવા પોલીસના ક્રેઈન મારફતે ઉંચકાવવામાં આવશે. જેની નોંધ દરેક વાહન માલિકે લેવી.
વર્ષોથી દુકાનદારો અને ગ્રાહકોના વાહનોને લઈ હેરાન પરેશાન થઈ રહેલા ચૌટા બજારના રહિશો દ્વારા હવે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે હવે દુકાનદારો દ્વારા ગ્રાહકોને અન્યત્ર ગાડીઓ મુકવાનું કહેવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યું...