સુરત : ટ્રેક્ટરના વજનના કારણે જર્જરિત બેઝમેન્ટ પાર્કિગનો સ્લેબ પડ્યો

વરાછાના જે. કે. ચેમ્બર્સમાં રિનોવેશનની કામગીરી માટે રેતી ખાલી કરતી વખતે ટ્રેક્ટરના વજનના કારણે જર્જરિત બેઝમેન્ટ પાર્કિગનો સ્લેબ બેસી જતા પાર્ક કરેલા 10થી વધુ વાહનો દબાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
વરાછા ખાતે આવેલ મીની બજાર ડાયમંડ વર્લ્ડ જે. કે. ચેમ્બર્સમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. રિનોવેશન માટે મંગળવારે બપોરે રેતીનું ટ્રેક્ટર મંગાવ્યું હતું. આ ટ્રેક્ટર બેઝમેન્ટના પાર્કીંગની ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર રેતી ખાલી કરવા માટે રીવર્સ લેતા હતા. ત્યારે રેતી ભરેલા ટ્રેક્ટરના વજનના કારણે સ્લેબ બેસી ગયો હતો અને સાથે સાથે ટ્રેક્ટર પણ બેઝમેન્ટના પાર્કીંગમાં ધસી ગયું હતું. બિલ્ડીંગની સ્ટેબેલીટી સહિતની ચકાસણી હાથ ધરી હતી. જો કે બેઝમેન્ટનો સ્લેબ બેસી જવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.