સુરત : ડુમસ લૂંટ વિથ મર્ડર ના કેસમાં પાંચ આરોપીઓને ઝડપાયા

ડુમસ ખાતે આવેલ કાંદી ફળિયામાં આધેડની કરાયેલી હત્યા અને ઘરમાંથી લુંટ કરવાની ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે લુંટ અંગે ટીપ આપનાર મહિલા સહિતના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના ડુમસ ખાતે આવેલ કાંદી ફળિયામાં ગત 2 એપ્રિલના રોજ આધેડ ભુપેન્દ્રભાઈ પટેલની તેમના ઘરે જ અજાણ્યા પાંચેક ઈસમોએ હાથ પગ બાંધી હત્યા કર્યા બાદ ઘરમાંથી લુંટ કરી હતી. જે મામલે પોલીસ કમિશનરના આદેશ હેઠળ તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધઆરે લુંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીઓ જેમાં વિશાલ લાખાભાઈ વાણીયા, પ્રતાપભાઈ હરસુરભાઈ ઉર્ફે ચીનાભાઈ ગીડા, મિથુન ઉર્ફે શેટ્ટી વાણીયન, પીન્ટુ અર્જુન ચૌધરી અને કેતન હડીયાને વાંઝગામ થી ખરવાસા જતા રસ્તા પરથી ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પુછપરછ કરતા આરોપીઓમાંથી હરસુરભાઈએ જણાવ્યુ હતું કે, ગત 27મી માર્ચના રોજ મુંબઈમાં રહેતી ચેતનાબેનના ઓળખીતા બહેનએ ફોન કર્યો હતો અને જણાવ્યુ હતું કે પોતાની બહેન ચેતના ડુમસ ગામમાં રહે છે તેના મકાનના બાજુમાં રહેતા ઈસમની જમીન વેચાતા તેની પાસે રોકડા ત્રણ થી ચાર કરોડ રૂપિયા આવ્યા છે અને તે પોતાના ઘરમાં રાખ્યા છે સાથે તે આધેડ ઘરે એખલો જ રહે છે. અને ઘરમાં જઈ રોકડા રૂપિયા લુંટ કરવાના છે તેમ કહી આરોપીઓને સુરત બોલાવ્યા હતાં. અને આરોપીઓએ પુણા પોલીસ મથકની હદમાંથી મોટર સાઈકલની ચોરી કરી મૃતક ભુપેન્દ્રભાઈના ઘરે જઈ તેમની હાથપગ બાંધી હત્યા કરી ઘરમાંથી ચાર લાખની લુંટ કરી ભાગી ગયા હતાં. જો કે સીસીટીવીમાં લુંટારૂઓ ઘરમાં રૂપિયાની શોધખોળ કરતા પણ જોવા મળ્યા હતાં. હાલ તો પોલીસે પાંચ લુંટારૂઓને ઝડપી પાડી તેઓ પાસેથી બે પીસ્તલ, બે કારતુસ, ચોરીની બે મોટર સાઈકલો, આઠ મોબાઈલ ફોન અને રોકડ 1 લાખ ની મત્તા કબ્જે કરી હતી.
વધુમાં લુંટારૂઓને ટીપ આપનાર ચેતના બેન અને ફોન કરનાર મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવા હાલ તો પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તો ઝડપાયેલા આરોપીઓએ મુંબઈના બદલાપુરમાં પણ એક બંગલામાંથી 160 કરોડની લુંટની યોજના બનાવી હતી જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી સુરતમાં ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.