સુરત : દારૂની મહેફિલ માણતા લોકોએ વેપારી પર કર્યો હુમલો

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં દારૂની મહેફિલ માણતા લોકોએ વેપારી પર હુમલો કર્યા બાદ દુકાન પર પથ્થરમારો કરી હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દુકાન આગળ દારૂની મહેફિલ માણવા બેસેલા શખ્સોને ટકોર કરતા મામલો બીચકાયો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ધમધોકાર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે પાંડેસરા જીઆઈડીસીમાં દુકાનો બહાર દારૂ પી રહેલાઓને ટકોર કરતા દારૂડીયાઓએ દુકાનદારો પર પથ્થરમારો કરતા મામલો બીચક્યો હતો. જો કે પોલીસે સ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો. બેફામ બનેલા બુટલેગરોના માણસોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવતા ઉદ્યોગપતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જીઆઈડીસીની તમામ ગલીઓમાં હપ્તાખોર પોલીસ કર્મચારીઓની મહેરબાનીઓથી અડ્ડાઓ ચાલી રહ્યા હોવાનો ઉદ્યોગપતિઓએ આરોપ પણ લગાવ્યો છે. જોકે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જતા લોકો ભેગા થઈને આ ન્યુસન્સ બંધ કરાવવા રજુઆત કરી રહ્યા છે. પાંડેસરા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલમાં કેટલાક શખ્સો દ્વારા વેપારી પર થયેલા હુમલા બાદ દારૂના ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાના વીડિયો વાઇરલ થયા છે. એટલું જ નહીં પણ નાના-નાના બાળકોની નજર સામે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. લોકો બારમાં મદિરાપાન કરતા હોય એવી મજા લેતા વીડિયો વાઈરલ થતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. કોઈ ઘરમાં કે કોઈ ઘરના ઓટલા પર કે કોઈ ખુલ્લા મેદાનમાં દારૂ નું વેચાણ કરતો દેખાય રહ્યો છે.
બીજી તરફ સુરત મનપાના કોર્પોરેટર અને દંડક વિનોદ પટેલ એ જણાવ્યું હતું કે સવારે લગભગ સાડા નવ વાગ્યાના અરસા માં હું કામ માટે બહાર નીકળ્યો હતો. ત્યારે એક પટેલ વેપારીના ખાતા બહાર કેટલાક જાહેરમાં દારૂ પિતા હતા. જેને લઈ વેપારીએ ઠપકો આપતા તેના પર હુમલો કર્યો હતો. જેને લઈ બીજા પટેલ વેપારી ભાઈઓ ભેગા થઈ જતા શખ્સો ભાગી ગયા હતા. આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસને જાણ કરી મેં 4 થી 5 ઈજાગ્રસ્ત વેપારીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશન મોકલ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલે છે.