સુરત : દક્ષિણ ગુજરાતમાં મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો

ગુજરાતમાં મહાનગર પાલિકાઓની ચુંટણી પુર્ણ થયા બાદ નગર પાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણીઓ માટે રવિવારે સવારથી જ મતદાન શરૂ થયુ હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં રહેતા કેબિનેટ મંત્રી અને સાંસદોએ મતદાન કરી લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યુ હતું.
સુરત જિલ્લામાં 4 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 176 તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન કરવા સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે તાપીમાં 1 નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં 26 બેઠકો અને સાત તાલુકા પંચાયતમાં 124 બેઠકો માટે પણ મતદાન શરૂ થયું હતું. સવારે 7થી જિલ્લાના મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવાઇ હતી. સુરત અને તાપીના કુલ 16.56 લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્યારે સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને મતદાન મથકો પર લાંબી લાઈનો લગાવી દીધી છે. દરમિયાન બાબેન ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અને સઠવાવ ગામ ખાતે સાંસદ પ્રભુ વસાવાએ મતદાન કર્યું હતું. તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળતા મહાનગર પાલિકાઓ કરતા જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં મતદાન ઉંચુ રહેશે તેવી આશા લગાવાઈ રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં રહેતા કેબિનેટમંત્રી, સાંસદો સહિતનાઓએ પણ સવારે મતદાન કરી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
તો ઓલપાડમાં લગ્નની પીઠીએ ભરેલી યુવતિઓ નેહા અને જાગૃતિએ પણ મતદાન કર્યુ હતું. અને લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સ્થાનિય સ્વરાજ્યની ચુંટણી માટે મતદારોમાં અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.