સુરત : પાંડેસરામાં મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો

પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાંથી મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો હતો. રૂપિયાની લેતી દેતીમાં પિતરાઈની હત્યા કરી લાશ ફેંકી દેનાર બે સગાભાઈઓની પોલીસે ધરપકડ કરી છે.
પાંડેસરામાં જગન્નાથ નગર સોસાયટી પાછળથી હત્યા કરાયેલી મળી આવેલી લાશનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. બે સગા ભાઈઓ નારાયણ ચક્રપાણી ગૌડ અને તેના ભાઈ ક્રિષ્ણા ચક્રપાણી ગૌડએ 22 હજાર રૂપિયાની મેટરમાં પિતરાય ભાઈ પર એસિડ નાખી દોરીથી ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. બંનેએ હત્યા કરી મોડીરાતે લાશને ટેરેસ પરથી પાછળ ઝાડીમાં ફેંકી દીધી હતી. હત્યાનો ગુનો ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલી બન્ને હત્યારાઓને દબોચી લીધા હતાં. તો બનાવ અંગે માહિતી આપતી પોલીસે જણાવ્યુ હતું કે 22મી તારીખે મૃતક પ્રશાંત ઉર્ફે મિથુન અનંતકુમાર ગૌડ સૂતો હતો તે વખતે બન્ને ભાઈઓએ નજીકની દુકાનમાંથી એસિડ લાવી તેના મોઢા પર નાખી દીધું હતું. પછી ટૂંપો આપી માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી મોઢા પર ઈંટથી ઘા કરી લાશને ટેરેસ પરથી ફેકી દીધી હતી. 25મી તારીખે લાશ પોલીસને મળી હતી. લાશના પોસ્ટમાર્ટમ બાદ 3 દિવસ પછી પાંડેસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યારા નારાયણ ચક્રપાણી પાસેથી મરણજનાર પ્રશાંતે બે મહિનાનો 22 હજારનો પગાર જબરદસ્તી પડાવી લીધો હતો. જેના કારણે હત્યારા નારાયણ ચક્રપાણી ગૌડ અને તેના ભાઈ ક્રિષ્ણા ચક્રપાણી ગૌડએ તેની હત્યા કરી હતી. આરોપીઓ મૃતકના પિતરાઇ ભાઈ છે.
હાલ તો પિતરાઈ ભાઈની 22 હજારની રૂપિયાની મેટરમાં હત્યા કરનાર બન્ને પિતરાઈ સગાભાઈઓની પોલીસે ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.