સુરત : પ્રચારસભામાં ધારાસભ્ય વિનુ મોરડિયાનું વિવાદાસ્પદ નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ એક તરફ ભાજપમાં પણ કોંગ્રેસની જેમ ટીકીટ મુદ્દે કાર્યકરોમાં આ વખતે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્ય વિનુ મોરડીયાએ જાહેર સભામાં આપેલા નિવેદનથી હાલ ચર્ચાએ જોર પકડ્યુ છે. વિનુ મોરડીયાએ કહ્યુ હતું કે, સુરતમાં આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભાગવીને તોડાવી નાખવાના છે જો કે બાદમાં વિનુ મોરડીયા દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા હાલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વિવાદમાં આવી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિનુ મોરડિયાએ કહ્યું કે, હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, વિનુ મોરડિયાનો અહંકાર એટલો ચરમસીમાએ પહોંચ્યો કે તેમણે સ્પષ્ટ કર્યું કે, આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા ન જાઓ. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભાગવીને તોડાવી નાખવાના છે. એ દિવસો પૂરા થઈ ગયા કે કોઈ પક્ષમાંથી રિસાઈ જાય અને તેને મનાવવા માટે આપણે કામે લાગી જઈએ. વિનુ મોરડીયાને લઈને આમ પણ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.
વિડીયો વાયરલ થયા બાદ વિનુ મોરડીયાએ આ મામલે સ્પષ્ટતા કરી હતી અને પોતે પક્ષ વિરોધી કામ કરનારાઓ અંગે જણાવ્યુ હોવાનું સાથે દોડાવી દોડાવીને થકાવી દેવા અંગેનું નિવેદન કર્યુ હોવાનું જણાવ્યુ હતું.
ધારાસભ્ય વિનુ મોરડીયા બે દિવસ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા જાહેર સભામાં સવાલો પુછનાર યુવાન અને તેના પિતાને પોલીસને બોલાવી ધરપકડ કરાવી હતી જેને લઈ હાલ વિનુ મોરડીયા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.