સુરત પાલિકાએ માત્ર સેન્ટ્રલ ઝોનમાં પતરા લગાવવાના 24 લાખ ચૂકવ્યા

સુરત પાલિકાએ માત્ર સેન્ટ્રલ ઝોનમાં પતરા લગાવવાના 24 લાખ ચૂકવ્યા

સુરત શહેરમાં કોરોના કાળમાં કથિત કૌભાંડને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે પહેલા 15 કરોડના ખીચડી - કઢી કૌભાંડના પડઘા સમયા નથી તે બાદ 6 વર્ષમાં કૂતરા પકડવા અને ખસિકરણ માટે 3.47 કરોડનો ખર્ચ કર્યાનો RTI માં ખુલાસો થતા લોકોમાં કૌભાંડને લઈને સવાલો ઉભા થયા હતા. અને હવે કોરોના કાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવાનો માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનો  ખુલાસો RTI માં થયો છે. જેને પગલે સુરત પાલિકા ફરી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અશ્વિન લાઠીયાએ જણાવ્યું હતું કે 4 જુલાઈના રોજ RTI કરી હતી. જેમાં ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ જોનમાં પતરાં અને મંડપ બાંધવા માંટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા જે અંગે માહિતી માંગી હતી. જેના જવાબમાં સેન્ટ્રલ ઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી કે 24 લાખ કરતા પણ વધુ ખર્ચો થયો છે. તા. 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી આપવામાં આવી છે. રનિંગ ફુટે 9 થી 15 રૂપિયા ચૂકવ્યા છે. 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે છે. જેમાં મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટના ચૂકવાયા છે. એ.એમ.ટપાલી મંડપને 9 એપ્રિલથી 10 જૂનના 6,92,292 ચૂકવાયા છે. સુવિધા કેટરર્સને 17 લાખથી વધુના બીલો એક તારીખના બનાવી ચૂકવવામાં આવ્યા છે. એક જ ઝોનની અંદર આટલો ખર્ચો હોય તો સુરતમાં અન્ય 7 ઝોન છે. આ ઝોનમાં પણ લિંબાયત અને રાંદેર ઝોનમાં મોટા ભાગનો વિસ્તાર ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પતરાં અને મંડપનો ખર્ચો કેટલો થયો હશે તે તપાસનો વિષય છે.