સુરત : મેદાનમાં સુતેલા અજાણ્યા યુવાનની પથ્થરના ઘા મારી હત્યા

ઉન ગામ હળપતિવાસની પાછળ આવેલા મેદાનમાં સુતેલા અજાણ્યા યુવાનની હથ્થરના ઘા મારી થયેલી હત્યામાં પોલીસે આખો ભેદ કન્ટ્રોલ રૂમમાં આરોપીએ કરેલા કોલના અવાજ પરથી ઉકેલી કાઢ્યો હતો.
સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે મધરાત્રે સવા બે વાગ્યાના અરસામાં પોલીસને એક કોલ આવ્યો હતો. કન્ટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરીને પોતાના ભાઈને ચાર થી પાંચ ચપ્પુના ઘા માર્યા હોવાનો કોલ કરાયો હતો. કોલને પગલે સચીન જીઆઈડીસી પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અને પોલીસને કોલર તો મળ્યો ન હતો. પરંતુ બાવળના ઝાડ નીચેથી 30 થી 35 વર્ષના યુવાનની લાશ મળી હતી. પોલીસે જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ કરતા તે મોબાઈલ ફોન હત્યાની રાત્રે જ ત્યાંથી 500 મીટર દુર ટાંકી ફળિયા બિલાલ ચાચાની ચાલમાં રહેતા ધોની શાહુના તકિયા નીચેથી સાડા બાર વાગ્યે ચોરી થયો હતો. ગેલેરીમાં સુતેલા ધોનીએ પોતાના ઘરમાંથી હેરડ્રાઈયર અને બુટની ચોરી કરીને નિકળેલા ચોરને પકડ્યો હતો પરંતુ માતાને પુછવા ગયો તે દરમિયાન ચોર તકીયા નિચેથી મોબાઈલ ફોન ચોરી ભાગી ગયો હતો. મોબાઈલ ફોન ચોરી કરનાર શખ્સ જ હત્યારો હોવાની આશંકા વચ્ચે પોલીસે કન્ટ્રોલ રૂમમાં રેકોર્ડ થયેલા અવાજનું વિશ્લેષણ કર્યુ હતું. સચીન જીઆઈડીસીના કોન્સ્ટેબલ દર્શનને આ અવાજ સોયેબનગરમાં રહેતા અને ચરસી ફિરોજ દિલાવરખાન પઠાણના અવાજને મળતો આવ્યો હતો. ફિરોજ છ મહિના પહેલા જ પાંડેસરામાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરાઈ હતી અને પુછપરછ કરતા તેણે હત્યાની કબુલાત કરી હતી.