સુરત : મહાનગર પાલિકાએ બે રૂટ પર BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે મહાનગરપાલિકાએ સિટીબસ અને BRTS બસ સેવા બંધ કરી દીધી હતી. હાલમાં સંક્રમણમાં ઘટાડો થતાં મહાનગર પાલિકાએ બે રૂટ પર BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.કોરોના ગાઈડલાઈન પ્રમાણે સેવા શરૂ કરવામાં આવતાં શ્રમિકોએ રાહતની લાગણી અનુભવી છે.
સુરતમાં કોરોનાનું પ્રમાણ વધતા સામૂહિક પરિવહન સેવા પર મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂકી દીધો હતો. પાલિકાના આ નિર્ણયને કારણે સુરતના રસ્તા પર દોડતી 600થી વધુ બસના પૈંડા થંભી ગયા હતા. હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને લોકોને રોજગારી માટે પરિવહન સેવા મળે તે માટે તબક્કાવાર બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
સુરત ઉધના દરવાજાથી સચીન અને ખરવરનગરથી ઓએનજીસી બસ સેવા આજથી શરૂ થશે. આ બે રૂટ મળીને કુલ નવ બસ દોડે છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બસમાં 50% મુસાફર રખાશે અને તમામ મુસાફરો માટે માસ્ક ફરજિયાત છે. બસ સેવા શરૂ કરવાના નિર્ણયને કારણે સુરતીઓને આંશિક રાહત થઇ છે. જોકે હજુ સુધી સિટી બસ સેવા શરૂ કરવા અંગે કોઈ નિર્ણય કરાયો નથી.