સુરત : મહાનગરો સાથે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને હાઈકોર્ટ દ્વારા પણ સરકારને લોકડાઉન કે કરફ્યુ પર વિચાર કરવા જણાવ્યુ હતું. જેને લઈ મંગળવારે રાત્રે હાઈલેવલની મીટીંગ મળ્યા બાદ ચાર મહાનગરો સાથે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ લાદી દેવાયો છે અને આ આદેશ 30મી એપ્રિલ સુધી રહેશે તેમ જણાવાયું છે.
ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી, જેમાં કેન્દ્રની ટીમ ગુજરાત ટૂંકમાં આવશે તેમ જણાવાયું છે. રાજ્ય સરકાર કોરોના કોરોના વણસતા રાજ્યના 20 શહેરો જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, ભરૂચ, અમરેલીમાં રાત્રી કરફ્યુનો બુધવારથી અમલ શરૂ કરાયો છે. તો સાથે લગ્ન પ્રસંગમાં પણ માત્ર 100 લોકોની પરવાનગી અપાઈ છે. સાથે જાહેર મેળાવડાઓ બંધ રાખવા પણ આદેશ કરાયો છે.
અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.