સુરતમાં જવેલર્સોનું નોટબંધી કૌભાંડ - અનેક માથાઓના નામ ખુલવાની શક્યતા

સુરતમાં જવેલર્સોનું નોટબંધી કૌભાંડ - અનેક માથાઓના નામ ખુલવાની શક્યતા

સુરતના જાણીતા કલામંદિરના જવેલર્સના કેસમાં રૂ. 110 કરોડની ડિપોઝીટનો ઉલ્લેખ છે અને તે માટે રૂ. 80 લાખના ટેક્સમાં સેટલમેન્ટના પ્રયાસો આદરી દેવાયા હતાં. હકીકતમાં એવા આક્ષેપ થઈ રહ્યાં છે કે રૂ. 110 કરોડની ડિપોઝીટ પેટે કાયદેસર રીતે જ 33 ટકા ટેક્સ ભરવાનો થતો હોય છે. એટલે કે અંદાજે 36 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડે, તો બીજો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે નોટબંધી વેળા રૂ. 110 કરોડની જે ડિપોઝીટ બતાવવામાં આવી છે તે પેનલ્ટીને પાત્ર છે જેથી કલામંદિર જવેલર્સે પેનલ્ટી સાથે કાયદેસર રીતે રૂ. 167 કરોડ ટેક્સ ભરવાનો થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ માત્ર રૂ. 80 લાખમાં કેસ સેટલ કરવાની વાત ચોંકાવનારી છે.
કલામંદિર જવેલર્સના સેટલમેન્ટ કેસની ચર્ચા સપાટી ઉપર આવતાં નોટબંધીના જુના પોપડા હવે ઉખડવા લાગ્યા છે એવી ચર્ચા જાહેરમાં થવા લાગી છે કે શહેરના કેટલાક જ્વેલર્સ દ્વારા આવું કૌભાંડ આચરાયું હતું જેમાં પ્રતિબંધિત કરાયેલી રૂ. 500 અને રૂ. 1000 ની નોટો સ્વીકારીને ઊંચા ભાવે સોનુ વેચવામાં આવ્યું હતું ત્યારબાદ વેચાણની રકમને ડિપોઝીટ બતાવીને ટેક્સ ચોરીના ખેલ ખેલાયા હતાં.
એક અંદાજ મુજબ સુરતના જ્વેલર્સ દ્વારા આચરાયેલું કૌભાંડ સેંકડો કરોડો રૂપિયાનું નહીં પરંતુ અંદાજે 5000 કરોડનું છે જેથી સીબીઆઈ કે ઈડી દ્વારા સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો નોટબંધીનું ખુબ મોટું કૌભાંડ બહાર આવે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.