સુરતમાં મર્સિડીઝ કાર દારૂના નશામાં બેફામ બની - 1 નું મૌત 3 ઘાયલ

સુરતમાં મર્સિડીઝ કાર દારૂના નશામાં બેફામ બની - 1 નું મૌત 3 ઘાયલ

સુરતના ભટાર ચાર રસ્તા પાસે ગત રાત્રે મર્સિડીઝ કારના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપતા ગાડી ચાલકે 5 વ્યક્તિઓને અડફટે લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મૌત થયું હતું જયારે મોપેડ, કાર અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. મર્સિડીઝ કાર મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ ખાતે લેવા નીકળ્યો હતો. તે સમય દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
સુરતના ભટારથી સિટી લાઈટ જવાના રસ્તા ઉપર મોડી સાંજે એક મર્સીડીઝ કાર અચાનક બેકાબુ બની હતી. કારે પહેલા ઉધના મગદલ્લા રોડ ઉપર દંપતીને ઉડાવતા ત્યાં ટોળા ભેગા થતા ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી હતી જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતા તેના ઉપરથી કાર ચઢાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડયો હતો. જોકે જ્યાંથી બેકાબુ બનેલી આ કારનો ચાલક એક પછી એક લોકોને અડફેટે લેતા એક સાયકલ, એક બાઈક અને એક ઓટો રિક્ષાને વારા ફરતી અડફેટે લીધી હતી. જેમાં કારની અડફેટે ચડેલા સાયકલ સવાર વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ડ્રાઇવર ગાડી બનાવવાળી જગ્યા પર મૂકીને ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કાર ટેક્ષટાઇલ યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલની છે. માલિકને એરપોર્ટ ખાતે લેવા જતા આ અકસમાત સર્જાયો હતો. જો કે સ્થાનિકોઈ કહ્યું હતું કે કાર ચાલક દારૂના નાશમાં ધૂત હતો. પાંડેસરામાં રહેતા કાર ડ્રાઇવર તિવારીને ઝડપી પાડવા માટે પોલીસ મોડી રાત્રે તેના ઘરે પણ ગઈ હતી જોકે ત્યાં તેનો કોઈ પત્તો લાગ્યો નહતો. અકસ્માત સમયે ત્યાં હાજર ટીઆરબી જવાનો પાછળ દોડતા સિટીલાઇટ પાસે ગાડીના બોનેટ પરથી યુવકને નીચે ફેકયો હતો ત્યારબાદ મર્સિડીઝ કારના ચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવા ચાલક દર્શન વટાણી અને રિક્ષાચાલક અમૂલ કાન્ડેને અડફટે લીધા બાદ સાયકલ સવાર નિર્મલ રામઘની યાદવને અડફટે લેતા મોત થયું હતું. ચાલકે કાર એક પોલ સાથે અથડાવતા મર્સિડીઝનો ભુક્કો થઇ ગયો હતો.
મૃતક સાયકલ સવાર નિર્મલ રામઘની યાદવને 3 દીકરી અને એક દીકરો છે. એક માસ પહેલા ગામથી રોજી રોટી માટે સુરત ખાતે આવ્યો હતો. જો કે ખટોદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.