સરકાર અને ખેડૂતોની આજની બેઠક પણ ફ્લોપ શો - રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂતોની આઝાદી છીનવાઈ

સરકાર અને ખેડૂતોની આજની બેઠક પણ ફ્લોપ શો - રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂતોની આઝાદી છીનવાઈ

51 દિવસથી ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન વિજ્ઞાન ભવન ખાતે સરકાર અને ખેડૂતો વચ્ચે આજે 10માં તબક્કાની બેઠકનું પણ કોઈ પરિણામ આવ્યુ ન હતું. આ બેઠક અંદાજિત 4 કલાક ચાલી હતી. બેઠકમાં 3 કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પિયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હાજર હતા અને હવે પછીની બેઠક તા.19મી જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગે થશે. આજની બેઠકમાં ખેડૂતો કૃષિ કાયદા પાછાં ખેંચવાના મુદ્દે અડગ રહ્યા હતા.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે અમે તમારી અનેક માંગોને સ્વીકારી છે. તમારે પણ નરમ વલણ દેખાડવું જોઈએ નહીં ?
કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગ પર અડગ રહેવાને બદલે તમારે પણ કેટલીક વાતો માનવી જોઈએ.
ખેડૂતોએ કહ્યું હતુ કે MSPની કાનૂની ગેરન્ટી મળવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ અંગે પ્રશ્ન પૂછતા કૃષિમંત્રીએ કહ્યું કે સમિતિ અમને બોલાવશે તો અમે અમારો પક્ષ રજૂ કરશું. કૃષિ કાયદા વિશે ખેડૂતો સાથે ચર્ચા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી તા.12 જાન્યુઆરીએ 4 નિષ્ણાત સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી તા.19 જાન્યુઆરીએ ખેડૂતો સાથે પહેલી બેઠક કરશે. કમિટીની બેઠક પહેલા જ સમિતિના એક સભ્ય ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ભૂપિન્દ્રસિંહ માને તેમનું નામ પરત લઈ લીધુ છે.
ખેડૂત નેતાએ કહ્યું હતું કે કૃષિ કાયદા સંસદમાં પાસ થયા છે અને સરકાર જાણે છે કે આ કાયદાઓને કોર્ટ નિષ્પ્રભાવી ન કરી શકે. જે ખેડૂતો તા.26 નવેમ્બરથી દિલ્હીની સીમા પર બેઠા છે કેન્દ્ર સરકારે તેમની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ. કોઈ કમિટી બનાવી દેવી જ સમાધાન ન હોઈ શકે.

દેશમાં ચાલી રહેલા ખેડુત આંદોલનમાં 51માં દિને આજે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓએ સાથે દિલ્હીના ચંદગીરામ અખાડાની રાજનગર સુધીની કૂચનું આયોજન કરતા દિલ્હી પોલીસે કૂચ પર રોક લગાવી હતી પોલીસ બંદોબસ્ત ઉતારીને રાહુલ - પ્રિયંકા સહિતના નેતાઓને આગળ વધતા અટકાવતા પોલીસે માર્ગમાં ઠેરઠેર બેરીકેડ ઉભા કરી દીધા છે અને જો ભીડ આગળ વધે તો પાણીનો મારો છોડવા અને ટીયરગેસની પણ તૈયારી કરી છે. કોંગ્રેસ નવા કૃષિ કાનૂન રદ કરવાની માંગ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં માર્ગ ઉપર ઉતર્યા છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતોને હવે એ વાત સમજાઈ ગઈ છે કે આઝાદી છીનવી લેવામાં આવી છે. હિન્દુસ્તાને આ વાત સમજવાની છે. નરેન્દ્ર મોદી અને 2 - 3 ઉદ્યોગપતિ મિત્રો તમારું જે પણ છે તે તેઓ તમારાથી છીનવી લેશે. મીડિયા, IT, પાવરમાં જુઓ, તમને 4 - 5 બિઝનેસમેન અને નરેન્દ્ર મોદી છે. આ 4 - 5 લોકો જ દેશ ચલાવે છે. ખેડૂતો અને સામાન્ય લોકો ક્યાંય નથી. તેઓ વિચારે છે કે ખેડૂતો થોડા દિવસમાં ઉભા થઈ જશે. હું કહેવા માંગુ છું કે દેશના ખેડૂતો ડરશે નહીં. તેઓ નહીં ભાગે તમારે ભાગવું પડશે. દેશમાં કોઈ જ ડિબેટ થઈ રહી નથી. ફક્ત મોદી જ બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે દેશના ખેડૂતો તેમના અધિકાર માટે સત્યાગ્રહ કરી રહ્યા છે અને દેશવાસીઓએ તેનો ભાગ બનવું જોઈએ. દેશના અન્નદાતા તેમના અધિકાર માટે ઘમંડી મોદી સરકાર સામે સત્યાગ્રહ કરી રહ્યા છે. આજે સમગ્ર દેશ ખેડૂતો પરના અત્યાચાર તથા પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો સામે અવાજ બુલંદ કરી રહ્યા છે.
ખેડૂત નેતા દર્શનપાલે કહ્યું હતું કે આજની બેઠકમાં કંઈ ઉપજે તેવું દેખાયુ નહિ. આ લોકોએ બોલાવ્યા છે અને અમે આવ્યા છીએ જેથી આરોપ ન લાગે કે અમે બેઠકમાં આવવા ઈચ્છતા ન હતા. સરકાર વિગતવાર ચર્ચા કરી કાયદા અને MSP અંગે નિર્ણય લઈ શકે છે.
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે તા.26 જાન્યુઆરીએ અમે અમારી રેલી લાલ કિલ્લાથી ઈન્ડિયા ગેટ સુધી કાઢીશું. ત્યારપછી બધા ખેડૂતો અમર જવાન જ્યોતિ પર ભેગા થશે અને ત્યાં તિરંગો લહેરાવશે. આ ઐતિહાસિક હશે જ્યાં એક તરફ ખેડૂતો હશે અને બીજી તરફ જવાન.