મુખ્યમંત્રી રૂપાણીના હોમ ટાઉનમાં 1500 રૂપિયામાં કોરોના નેગેટિવ રિપોર્ટ

મુખ્યમંત્રી રૂપાણીના હોમ ટાઉનમાં 1500 રૂપિયામાં કોરોના નેગેટિવ રિપોર્ટ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્રારા સાવચેતીના પગલાં લેવા ફરી કાયદાનું બાણ ઉગામી લોકો સામે દંડ વસૂલીની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોના કોરોના ટેસ્ટમા પણ વધારો કરાયો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કેટલાક ઇસમો લોકોના જીવન સાથે ચેંડા કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે પ્લેનમાં - ટ્રેનમાં કે પછી અન્ય રાજ્યમાં જવું હોય તો તે વ્યક્તિ માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે તકનો લાભ લેતા તાકવાદીઓ સક્રિય બનીને આવા કિસ્સાઓમાં પૈસા લઈને નેગેટિવ રિપોર્ટ આપતો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમ આવો જ એક કિસ્સો મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં 1500 રૂપિયામાં લોકોને નેગેટિવ રિપોર્ટ આપવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે નાયબ આરોગ્ય અધિકારીએ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે જેમાં આ બંને ઈસમો ડિગ્રી વગર લોકોના સેમ્પલ કલેક્ટ કરતા હોવાથી તેમની સામે મેડિકલ એક્ટની કલમ અનુસાર ગુનો દાખલ કર્યો છે. ઉપરાંત તેમના કોરોના રિપોર્ટ પણ કરાવ્યા છે અને આ બંને ઈસમોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો પરાગ જોશી નામનો વ્યક્તિ લોકોના સેમ્પલ લીધા વગર જ લોકોને કોરોના નેગેટિવ રિપોર્ટ આપતો હોવાનું સામે આવ્યું હતું. પરાગ જોશી 1500 રૂપિયા લઈને એક ડમી વ્યક્તિ ઊભો કરીને તેનો કોરોના ટેસ્ટ કરી નેગેટિવ રિપોર્ટ લોકોને બનાવી આપતો હતો. આ બાબતે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તાત્કાલિક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદીત અગ્રવાલે 2 દિવસમાં તપાસ પુરી કરી દેવા ડેપ્યુટી કમિશનર બી.જી.પ્રજાપતિને આદેશ આપ્યા હતા. તેથી નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર મનીષ ચુનારાએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી લોકોના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બનાવી આપતા પરાગ જોશીનો મોબાઈલ નંબર શોધીને તમામ પુરાવાઓ સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે પરાગ રાજકોટની ભટ્ટ લેબોરેટરીના સિક્કાવાળા રિપોર્ટ લોકોને આપતો હતો તેમજ આગામી દિવસોમાં બહાર આવશે કે પરાગે કેટલા લોકોના કોરોનાના ખોટા નેગેટિવ રિપોર્ટ બનાવી આપ્યા છે.