Halvad : સાપકડા ગામના લોકરક્ષકદળના જવાને કરી આત્મહત્યા

હળવદના સાપકડા ગામના લોકરક્ષકદળના જવાને કરી આત્મહત્યા
હળવદ તાલુકાના સાપકડા ગામે ગત મોડી રાત્રીના LRD જવાને રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હળવદ દોડી આવ્યા હતા. હાલ મૃતકની લાશને ફોરેન્સિક પી.એમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ હજુ સુધી આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું નથી.
હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા LRD જવાન અનિલભાઈ દાનાભાઈ ડાભી (ઉં.વ.28) કે જેઓ મોરબી હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હતા જે ગતરાત્રીના પોણા અગીયાર વાગ્યાની આસપાસ ચૂંટણી ફરજ દરમિયાન આપેલ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
બનાવને પગલે મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી જ્યાં મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા જોકે મૃતકની લાશને હળવદ થી રાજકોટ ફોરેન્સિક લેબ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ LRD જવાને કયા કારણોસર આત્મહત્યા કરી.? તે હજુ સુધી સામે આવ્યું નથી અને આ બનાવની હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.