Katchh : ભુજ નગરપાલિકાની માથે ૯૦ કરોડનું લેણું

કચ્છના પાટનગર એવા ભુજ સુધરાઈમાં આવકની સરખામણીએ ખર્ચ વધી જતા નગરપાલિકા દેવાદાર બની ગઈ છે. હાલમાં ભુજ નગરપાલિકાની માથે ૯૦ કરોડનું લેણું છે સામે પક્ષે લોકો કરવેરા ભરતા નથી જેના કારણે વસુલાત માંડ 25 થી 30 ટકા જેટલી થાય છે.
સામાન્ય રીતે ભુજ નગરપાલિકાને લાઈટ,પાણી સહિતની સવલતો માટે દર વર્ષે 35 કરોડની કરવેરા પેટે આવક થવાનો અંદાજ છે પરંતુ દર વર્ષે વેરા વસુલાતનો આંક 10 કરોડ પર આવી સ્થિર થઈ જાય છે પરિણામે આવક ન થવાથી પાલિકા દેવાદાર બની છે..ત્યારે શહેરીજનો કરવેરાની રકમ ભરે તેવી અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. વહિવટદાર નીતિન બોડાતે જણાવ્યું કે, પાણી પુરવઠા નર્મદા સિંચાઈ વિભાગ નગરપાલિકા પાસે ૬૦ કરોડ રૂપિયા માંગે છે. તો પી.જી.વી.સીએલ વિભાગને પણ ૩૦ કરોડ રૂપિયા દેવાના છે. દર મહિને સ્ટ્રીટલાઈટ તેમજ રાવલવાડી, શિવકૃપાનગર સહિતા ટાંકાઓમાં મોટરના વીજબિલ પેટે ૬૦ લાખનું બિલ આવે છે. નગરપાલિકા માત્ર ૩૦ લાખ બિલ ભરી શકે તેમ છે. દર મહિને પાણીના ટેન્કરના ફેરા તેમજ સરકારી ગાડીઓના પરિવહનમાં ૧પ લાખનો ડીઝલ ખર્ચ થાય છે. ખર્ચની સામે દરરોજ ૪થી પ લાખની વસૂલાત થાય છે. જેથી પી.જી.વી.સી.એલ કે પાણી પુરવઠા વિભાગને સમયસર નાણા ચૂકવી શકાતા નથી. પરિણામે દેવું વધી ગયું છે. શહેરીજનો સમયસર ટેક્ષની રકમ ભરપાઈ કરે તો ખર્ચ સામે આવક સરભર થાય તેમ છે. નગરપાલિકાનો વહિવટ લોકોના ટેક્સના નાણાથી ચાલે છે. નગરપાલિકાની સવલતો મેળવતા નાગરિકો સુધરાઈમાં વેરો ભરી પોતાની ફરજ અદા કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.ભુજની અંદાજીત વસ્તી ત્રણ લાખની છે પરંતુ તમામ લોકો વેરા ભરતા નથી મોટા બાકીદારો વર્ષોથી એક રૂપિયો પણ ભરતા નથી પરિણામે કરોડો રૂપિયાના દેવા વધી ગયા છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભુજને મહાનગર પાલિકાનો દરજ્જો મળે એ માટે પણ ચળવળ શરૂ થઈ ગઈ છે.