Navsari : મુંબઇ આતંકી હુમલામાં શહીદ થયેલા માછીમારોના પરિવારજનો સહાય

પરિવારને સહાય મળી પણ શરતોના આધિન
૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ મુંબઇ ઉપર થયેલ આતંકી હુમલામાં પ્રથમ શહીદ થયેલા ગુજરાતની કુબેર બોટના માછીમારોમાં નવસારીના ત્રણ માછીમારો મૃત્યુ પામ્યા હતા, જેમના પરિવારજનો સરકારી સહાય માટે ૧૨ વર્ષોથી નવસારી કલેક્ટરના ધક્કા ખાઇ રહ્યા હતા. જેમને સહાય પણ મળી તો એ શરતને આધીન.
મુંબઇ પર ૨૬/૧૧ ના આતંકી હુમલાએ સમગ્ર દેશને ઝંઝોળી મુક્યો હતો. આતંકી અજમલ કસાબ અને તેના સાથીઓ દરિયાઇ માર્ગે મુંબઇ સુધી પહોંચ્યા હતા, જેમાં પ્રથમ તેમણે દરિયામાં માછીમારી કરતી કુબેર બોટના માછીમારોની હત્યા કરી, તેમના મૃતદેહોને દરિયામાં ફેંકી દીધા હતા જેની અજમલ કસાબે પણ કબૂલાત કર્યાની વાત છે, કુબેર બોટના માછીમારોમાં નવસારીના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામના ત્રણ માછીમારો બળવંત પ્રભુ ટંડેલ, નટુ નાનું રાઠોડ અને મુકેશ અંબુ રાઠોડ પણ શહીદ થયા હતા. ગુજરાત કે  ભારત સરકારે આતંકીઓને હાથે પ્રથમ શહીદ થયેલા નવસારીના ત્રણેય માછીમારોને મૃત માન્યા ન હતા, જેથી એમના પરિવારોએ કોર્ટ લડાઇ લડ્યા બાદ ૭ વર્ષે તેમના મૃત્યુના પ્રમાણપત્ર મેળવ્યા હતા. અને ગુજરાત સરકારમાંથી યોગ્ય આર્થિક સહાયની આશા સાથે ત્રણેય માછીમારોના પરિવારોએ સરકારી સહાય માટે ૧૨-૧૨ વર્ષોથી નવસારી કલેક્ટરના ધક્કા ખાવા પડ્યા હતા. આજે જ્યારે આ માછીમારોના પરિવારોને ત્રણ વર્ષની ૫ લાખની ફિક્સ ડીપોઝીટ આપી શરતી સહાય કરવામાં આવી છે . પરિવાર પાસે સરકારે સોગંદનામું લખાવી લીધું છે કે કો મૃતક બળવંત ટંડેલ, નટુ નાનું અને મુકેશ અંબુ જીવતા મળી આવે તો આ સહાયની રકમ સરકારને પરત આપવાની રહેશે..