ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટેની હોસ્પિટલ ઉભી કરાશે - ડે.સીએમ નીતિન પટેલ

ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટેની હોસ્પિટલ ઉભી કરાશે - ડે.સીએમ નીતિન પટેલ

ગુજરાતમાં કોરોના સંકટ સમયમાં ફેફસા નબળા ધરાવતા દર્દીઓ માટે મોટી સમસ્યા સર્જાઈ હતી. કોરોના વાયરસ ફેફસામા સંક્રમણ જલ્દી કરતું હોવાથી વૃધ્ધ લોકોના મૃત્યુમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાંથી શીખ મેળવીને રાજ્ય સરકારે હવે ગુજરાતમાં જ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટેની ખાસ હોસ્પિટલ સુવિધા ઉભી કરવા નિર્ણય લીધો છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અમદાવાદ ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની શાખાને સંબોધતા જણાવ્યું હતું રક્તદાનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. અંગદાન તથા અંગ પ્રત્યાર્પણમાં ખાસ કરીને કીડની ટ્રાન્સપ્લાન્ટમાં ભારતમાં સૌથી વધુ ઓપરેશન ગુજરાતમાં થાય છે. હાલમાં જ અમદાવાદમાં બાળ હૃદયરોગ હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયુંં છે જેથી રાજ્યમાં હવે નાના બાળકથી લઇ વયોવૃધ્ધ લોકોને હૃદય પ્રત્યાર્પણની સુવિધા પણ મળશે।
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના કોરોના કાળે આપણને ઘણું શીખવ્યું છે કોરોનાના કારણે ફેફસામાં વધુ તકલીફ થાય છે. ખાસ કરીને ફેફસાના સંક્રમણ અને અન્ય જટીલતાઓની અદ્યતન સારવાર મળી રહે તે જોવા રાજ્ય સરકાર હવે આગળ વધી રહી છે અને તેમાં ફેફસાના તમામ દર્દો તથા સંક્રમણની સ્થિતિમાં પ્રત્યાર્પણની જરુર પડે તો ફેફસાના પ્રત્યાર્પણ સુધીની સુવિધા ગુજરાતમાં ઉભી કરવામાં આવશે અને તેના કારણે ગુજરાતના લોકોને હવે અન્ય રાજ્યોમાં સારવાર લેવા માટે જવું પડશે નહીં। હાલમાં જ ગુજરાતમાંથી અનેક દર્દીઓ ફેફસાની સારવાર માટે ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર માટે ગયા છે તે સંદર્ભે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.